વિનયે ૧૭૫ કરોડ બજારમાં રોક્યાની શંકા : ઉંડી તપાસ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ : ગુજરાતના મહાઠગ વિનય શાહના રૂ.૨૬૦ કરોડના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘેરથી રૂ.૫૨ લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના, ૩૪ કોમ્પ્યુટર, બે લેપટોપ અને મહત્વના દસ્તાવેજા જપ્ત કર્યા હતા.  સીઆઇડી ક્રાઇમની તપાસમાં વિનય શાહે કૌભાંડ મારફતે મેળવેલી રકમમાંથી કરોડો રૂપિયા શેરબજારમાં પણ રોકાણ કરી હોવાની આશંકા સેવાઇ રહી છે અને એક અંદાજ મુજબ, વિનય શાહે રૂ.૧૭૫ કરોડ શેરબજારમાં રોકયા હોવાની શકયતા છે. જા કે, સીઆઇડી ક્રાઇમ હાલ તમામ શકયતા અને પાસાઓ ચકાસી રહી છે. બીજીબાજુ, આ સમગ્ર કૌભાંડમાં સામે આવેલી વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને તેના પુત્ર સ્વપ્નીલ રાજપૂતની ઓડિયો કલીપ અને વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ સહિતના પુરાવાઓની પણ તપાસ કરવાની દિશામાં સીઆઇડી ક્રાઇમે ચક્રો ગતિમાન કર્યા છે. સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અમે આ કેસમાં સુસાઈડ નોટ અને તમામ ઓડિયો ક્લિપની પણ તપાસ કરીશું.

ભાટીયાએ વધુમાં ઉમેર્યું કે, હાલ આ તપાસમાં પ્રાથમિક પુરાવા ભેગા કરી સમગ્ર બાબતોની માહિતી મેળવી રહ્યા છીએ. ગઇકાલ સાંજથી સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘર, ઓફિસ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે, જેમાં કેટલાક મહ¥વના દસ્તાવેજોથી લઇને બેન્કની વિગતો જપ્ત કરી છે. વિનય શાહના એકથી વધુ બેંકમાં સંખ્યાબંધ એકાઉન્ટ હોવાની પણ વિગતો સામે આવી છે, તેથી તેને સીઝ કરવાની કાર્યવાહી તપાસનીશ એજન્સીએ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી વિનય શાહ અને પૂર્વ ધારાસભ્ય સૂરેન્દ્ર રાજપૂત અને તેના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની કથિત ઓડિયો ક્લિપના મામલે પણ સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

સીઆઇડી ક્રાઇમ ઓડિયો ક્લિપને એફએસએલમાં મોકલી આપશે અને આ કેસ સંદર્ભે સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની પૂછપરછ કરશે. આ સિવાય ઓડિયો ક્લિપમાં વિનય શાહે ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ સહિત જેટલા લોકો પર આક્ષેપ થયા છે તે તમામની પણ પૂછપરછ થાય તેવી શક્યતાઓ છે. વિનય શાહના રોજ એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં વિનય શાહે ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ તેમજ મીડિયાના પત્રકારો સાથે કરેલા રૂપિયાના વ્યવહારની વાત છે. વિનય શાહે કથિત ઓડિયો ક્લિપમાં જે.કે.ભટ્ટ પર લગાવેલા ૯૦ લાખ રૂપિયાના તોડના આરોપ ઉપર પણ સીઆઇડી ક્રાઇમ તપાસ કરશે. સીઆઇડીના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની પૂછપરછ થશે.

આ સિવાય ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ જેના પર આરોપ લાગ્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાલડીના યુનિયન ફ્‌લેટમાં રહેતા વિનય શાહ અને ભાર્ગવી શાહે વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન વેબસાઇટ પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતા હતા. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. દિવાળીના સમયે કેટલાક ગ્રાહકોને રૂપિયા આપવાનું કહીને બોલાવ્યા હતા, જોકે બન્ને જણાએ કોઇને રૂપિયા નહીં આપતાં ગઇકાલે પ૦૦ કરતાં વધુ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. વસ્ત્રાપુર અને નિકોલમાં ફરિયાદ થયા બાદ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. સીઆઇડીએ જારદાર તપાસ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં આ કૌભાંડને લઇ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

 

Share This Article