અમદાવાદ : ટોક ઓફ ધ ટાઉન બનેલા રૂ.૨૬૦ કરોડના કૌભાંડમાં રોજ રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં વિનય શાહની ૧૧ પાનાની ચીઠ્ઠી બહાર આવી અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાના વમળ શરુ થઇ ગયા. આ સમગ્ર મામલે થોડા સમય પહેલા સુરેન્દ્ર રાજપુતના પુત્ર સ્વપ્નિલ રાજપુતે એવો દાવો કર્યો હતો કે તેને વિનય શાહ પાસેથી રુપિયા લેવાના છે અને તેમની માનહાનિ થઇ હોવાથી બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આજે કેટલીક ટેલીફોનિક વાતચીતની દોઢ કલાકની કથિત ઓડીયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં વિનય શાહ સાથે સુરેન્દ્ર રાજપુત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપુત વચ્ચેની કથિત વાતચીત સાંભળવા મળી રહી છે. જેમાં જે.કે.ભટ્ટના નામનો પણ વારંવાર ઉલ્લેખ સાંભળવા મળે છે.
વિનય શાહ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી જે.કે.ભટ્ટને રૂ.૯૦ લાખ ચૂકવાયા હોવાનો ખુલાસો વાતચીતમાં સામે આવતાં હવે કેસમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ, આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આરોપી ઠગ વિનય શાહના નિવાસસ્થાને દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજા સહિતના પુરાવા એકત્ર કર્યા હતા. વાયરલ થયેલી ઓડીયો ક્લિપમાં વિનય શાહ અવાર નવાર સ્વપ્નિલને તેના પોતાના કેસની વાત કરે છે, તેમજ જે.કે. ભટ્ટના નામનો અવાર નવાર ઉલ્લેખ કરે છે. જ્યારે વિનય શાહની કંપનીમાં વસ્ત્રાપુર પોલીસના રાઇટર તેમજ ક્રાઇમબ્રાંચના કેટલાક પોલીસ કર્મીઓએ પણ રોકાણ કર્યું હોવાની વાતો કરી રહ્યો છે. સ્વપ્નિલ રાજપુત અને વિનય શાહ વચ્ચેની વાતચીત કેટલી જુની છે અને કયા નંબર પરથી થઇ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાંથી પોંઝી સ્કિમમાં રોકાણ કરાવી અંદાજે ૨૬૦ કરોડ રૂપિયાનું ઉઠમણું કરનાર વિનય શાહની કથિત ટેલિફોનિક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં વિનય શાહ સ્વપ્નીલ રાજપૂત સાથે આ સમગ્ર કૌભાંડ મામલે વાતચીત કરી રહ્યા છે. વાયરલ થયેલ કથિત ઓડિયો ક્લિપમાં જે.કે. ભટ્ટના નામનો ઉલ્લેખ કરતા વિનય શાહ કહે છે કે તેણે જે.કે. ભટ્ટને ૯૦ લાખ રૂપિયા આપ્યા છે. વિનય શાહની કથિત વાયરલ ઓડિયો ક્લિપના થોડા અંશો કંઇક આ પ્રમાણે છે કે, એક વસ્તુ સમજજો કે, એ માણસ જે હોય તે. જે.કે. ભટ્ટ ભાઇ જે હોય તે હોય એને ૨ મહિનામાં રિટાયર્ડમેન્ટ છે મને ખબર છે. અને બધી જ માહિતી મારી પાસે છે. હું જ્યારે બહાર આવીશ અને એ એના હિસાબ કિતાબ પુરા નહીં કરેને, આપણે નહીં છોડીએ. આ સત્ય છે, એ તમે સમજી લેજો હું નહીં છોડું. હું ભલે જેલમાં જઇશ, પણ મેં બધી માહિતી સેફ રીતે એવી રીતે મુકેલી છે. એ ભાઇને હું નહીં છોડું, કારણ કે ૯૦ લાખ રૂપિયા આપેલા છે, નાના પૈસા નથી આપ્યા. ૯૦ લાખ રૂપિયા જે.કે. ભટ્ટ સાહેબને આપણે આપેલા છે. અને એને હું છોડું નહીં. હવે મને બીજુ શું કામ નિલમને કરવું પડે કેમ કે નિલમને આ બધી વસ્તુનુ નોલેજ છે. ઓલરેડી રેઇન મુદ્રામા દિપક અને મુકેશ ઝા એ બધા ફસાયેલા હતા. એટલે એમને આ બધી આંટીઘૂંટી ખબર છે, એટલે આપણે એનો સપોર્ટ લઇએ છે કે એ શું કરવા જાય છે? કોને ઓળખે છે? અસર એટલે બોબડીયા કરીને છે, તેના પણ પૈસા છે. તમે જે રાઇટરની વાત કરો છો તેના પણ ૭૫ હજાર રૂપિયા કંપનીમાં છે. ક્રાઇમબ્રાંચમાંથી લોકોના પૈસા કંપનીમાં છે. ઘણા લોકોના પૈસા કંપનીમાં છે. અમુક રીતે લોકો આપણને સપોર્ટ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ દ્વારા વિનય શાહ સામે ખોટા આક્ષેપ કરી માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે વિનય શાહની આ ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. વાયરલ થયેલ આ ઓડિયો ક્લિપની સત્યતા જાણી શકાઇ નથી તથા ક્યારે આ વાતચીત થઇ તે પણ જાણી શકાયુ નથી પરંતુ ઓડિયો કલીપને લઇ જબરદસ્ત ખળભળાટ મચી ગયો તે નક્કી છે. બીજીબાજુ સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નીલ રાજપૂતે આ ઓડિયો કલીપની વાતને ફગાવી હતી અને બચાવ કર્યો હતો કે, આ કલીપમાં કોઇ તથ્ય નથી, તે બોગસ છે.