અમદાવાદ : સ્માર્ટ સિટીનાં બણગાં ફૂંકનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ તંત્રનાં ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વરને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. આ સર્વર ખોટકાયું છે. ગઇકાલ પણ સર્વરની કામગીરી ઠપ જ હોઇ સતત બીજા દિવસે સેંકડો નાગરિકો તેમના બીલ ભરવા સહિતના જરૂરી કામો અટવાઇ પડતાં ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા.
ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વર સાથે તંત્રના પ૯ સિવિક સેન્ટર જોડાયેલા છે. આ સિવિક સેન્ટર પરથી શહેરીજનોનાં જન્મ-મરણનાં દાખલા, પ્રોપર્ટી ટેકસની ભરપાઇ સહિતના અનેકિવિધ કામ થાય છે, પરંતુ ગઇકાલે મુખ્ય સર્વર ખોટકાતાં આજે સવારથી સિવિક સેન્ટર બંધ રહ્યાં હતાં. આજે સવારે મુખ્ય સર્વરની ટેકનિકલ ક્ષતિ યથાવત્ રહેતાં સિવિક સેન્ટર પર પ્રોપર્ટી ટેકસ ભરવા આવેલા નાગરિકોને નિરાશ થઇને પરત ફરવું પડ્યું હતું. જો કે ઉસ્માનપુરા ખાતેનાં સર્વરનાં મેન્ટેનન્સની જવાબદારી ટીસીએસ કંપની પાસે છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ઇ-ગવર્નન્સનો કોન્ટ્રાકટ ટીસીએસ કંપનીને અપાયો છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ કંપનીને કામગીરી સોંપાઇ હોવા છતાં કંપની સામે ખુદ તંત્રનાં વિભાગોમાં અસંતોષ છે.
ફાઇનાન્સ, ટેકસ સહિતનાં વિભાગનાં મોડ્યુલને સમયસર તૈયાર કરવા સહિતની બાબતોમાં ટીસીએસ કંપની કાર્યક્ષમ પુરવાર થઇ શકી નથી. ઉસ્માનપુરાનાં મુખ્ય સર્વરમાં સર્જાયેલી ટેકનીકલ ક્ષતિ દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ તેમાં સફળતા મળી ન હોઇ બીજીબાજુ, તંત્રની સત્તાવાર વેબસાઇટ અમદાવાદસીટી.ગવ.ઇન પણ બંધ છે. આમ, સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે તંત્રનો ઇ-ગવર્નન્સ વિભાગ ખોટકાયેલા મુખ્ય સર્વરને કલાકો બાદ પણ ચાલુ કરી શકતો નથી તે બાબત લોકોમાં ચર્ચાસ્પદ બની હતી. એટલું જ નહી, સામાન્ય જનતાએ જન્મમરણના દાખલાથી લઇ પ્રોપર્ટી ટેક્સ ભરવા સહિતના અનેક કામો ખોરંભે પડતા અમ્યુકો સત્તાધીશોના અણઘડ વહીવટ પરત્વે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.