નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ કેન્દ્ર સરકારે આજે રાફેલ ડિલને લઇને દસ્તાવેજા સુપ્રીમ કોર્ટમાં રજૂ હતા. કેન્દ્ર સરકારે રાફેલ ડિલ સાથે સંબંધિત નિર્ણય લેવાની પ્રક્રિયા અંગેની માહિતી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. ફ્રાંસની સાથે રાફેલ ડિલ ઉપર વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે આજે આ સોદાબાજી સાથે સંબંધિત માહિતી જાહેર કરી હતી. વિમાન ખરીદીની પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજા અરજી કરનાર લોકોને સોંપી દીધા હતા. સાથે સાથે કેન્દ્ર સરકારે રાફેલ વિમાનોની કિંમતના સંદર્ભમાં માંગવામાં આવેલી માહિતી અંગે પણ જવાબ સીલ કવરમાં આપી દીધો હતો. કેન્દ્ર સરકાર તરફથી અરજીદારોને સોંપવામાં આવેલા દસ્તાવેજામાં કહેવામાં આવ્યું છે કે, રાફેલની ખરીદીમાં તમામ પ્રકારની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે.
સરકારે કહ્યું છે કે, આ પ્રક્રિયા માટે ફ્રાંસ સરકાર સાથે આશરે એક વર્ષ સુધી વાતચીત ચાલી હતી. સરકારે દસ્તાવેજામાં એમ પણ કહ્યું છે કે, કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી પાસેથી મંજુરી લીધા બાદ જ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજાના ટાઇટલ ૩૬ વિમાન ખરીદવાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ઓફસેટ પાર્ટનરની પસંદગી કરવામાં સરકારની કોઇપણ ભૂમિકા રહી નથી. નિયમો મુજબ વિદેશી નિર્માતા કંપની કોઇપણ ભારતીય કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવા માટે સ્વતંત્ર હતી. યુપીએના સમય ગાળામાં ચાલી રહેલી સંરક્ષણ સાધનોની ખરીદી પ્રક્રિયા ૨૦૧૩નું પાલન કરવામાં આવ્યું છે. આમા એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ભારતીય મંત્રણાકારો ચોથી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે રાફેલ જેટ સાથે જાડાયેલી માહિતી રજૂ કરી રહ્યા હતા ત્યારે નાણા અને કાયદાકીય મંત્રાલય દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સીસીએસે ૨૪મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે મંજુરી આપી હતી. ત્યારબાદ ભારત અને ફ્રાંસ વચ્ચે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે સમજૂતિ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ૩૧મી ઓક્ટોબરના આદેશ મુજબ કેન્દ્ર સરકારે અરજી કરનારાઓને દસ્તાવેજા ઉપલબ્ધ કરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, રાફેલ વિમાનની ખરીદી પ્રક્રિયાની વિસ્તૃત માહિતી સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી હવે ૧૪મી નવેમ્બરના દિવસે હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમતોના સંદર્ભમાં સરકાર પાસેથી માહિતી માંગી હતી.
બેંચે એટર્ની જનરલને એમ પણ કહ્યું હતું કે, જા માહિતી ખાસ છે તો તેને કોર્ટની સાથે વહેંચણી કરવી યોગ્ય નથી પરંતુ કેન્દ્ર એફિડેવિટ રજૂ કરીને આવી માહિતી આપી શકે છે. બેંચે વેણુગોપાલ સમક્ષ પોતાની મૌખિક ટિપ્પણીમાં કેટલીક વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે એડવોકેટ પ્રશાંત ભૂષણ, પૂર્વ મંત્રી અરુણ શૌરી અને યશવંતસિંહા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળા આ વાત કરી હતી. અરજી કરનાર લોકોએ સમગ્ર મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મોદી સરકાર ઉપર આક્ષેપો કરતા રહ્યા છે. ભાજપનું કહેવું છે કે, આ ડિલ સાથે સંબંધિત માહિતી જાહેર કરવાથી દુશ્મન દેશોને ફાયદો થઇ શકે છે.