નવી દિલ્હી : કેન્દ્રિય પ્રધાન અનંત કુમારનુ આજે અવસાન થયુ હતુ. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હજુ સુધીના સાઢા ચાર વર્ષના શાસનકાળમાં પોતાના પ્રધાનમંડળના ત્રીજા સાથીને ગુમાવી દીધા છે. ૫૯ વર્ષીય અનંત કુમાર છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી ગ્રસ્ત હતા. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ભાજપને મજબુત કરવામાં તેમની ચાવીરૂપ ભૂમિકા હતી. વાજપેયી સરકારમાં પણ તેઓ મંત્રી તરીકે હતા. એ વખતે સૌથી યુવા કેબિનેટ પ્રધાન તરીકે અનંત કુમાર રહ્યા હતા. કેબિનેટ પ્રધાન તરીકે અનંત કુમારે એ વખતે પણ શાનદાર સેવા આપી હતી. અનંત કુમાર પહેલા મોદી સરકારના અન્ય બે પ્રધાનોના એકાએક નિધન થયા હતા. અત્રે નોંધનીય છે કે ભાજપના શક્તિશાળી નેતા ગોપીનાથ મુન્ડેનુ ત્રીજી જુન ૨૦૧૪ના દિવસે એક માર્ગ અકસ્માતમાં નિધન થયુ હતુ.
તેઓ મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ પ્રધાન તરીકે હતા. એકાએક નિધનના કારણે તેઓ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૌથી ઓછા સમય સુધી કેન્દ્રિય પ્રધાન તરીકે રહ્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં અનિલ માધવ દવેનુ પણ એકાએક અવસાન થયુ હતુ. તેઓ મોદી સરકારમાં પર્યાવરણ પ્રધાન તરીકે હતા. દવેની ઓળખ પર્યાવરણ માટે લડનાર યોદ્ધા તરીકેની હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યુ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે અનંત કુમારના નિધન અંગે સાંભળીને દુખ થયુ છે. તેમનુ અવસાન કર્ણાટકના લોકોને આઘાત સમાન છે. મોદીએ કહ્યુ છે કે તેમના સાથી અનંત કુમારના નિધન અંગે સાંભળીને દુખ થયુ છે. તેઓ શાનદાર નેતા હતા. યુવા તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યા બાદ અત્યંત પરિશ્રમ અને કરૂણાની સાથે લોકોની સેવામાં લાગેલા હતા. ભગવાન તેમની કમીને સહન કરવાની શક્તિ પરિવારને આપે તેવી તેમની પ્રાર્થના છે. મોદીએ કહ્યુ હતુ કે તેમના પત્નિ તેજસ્વિની સાથે વાત થઇ છે.