અમદાવાદ : અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે જોર પકડ્યું છે, ત્યારે હવે આદિવાસી સમાજ મેદાનમાં આવ્યો છે. કર્ણાવતી નામના વિરોધમાં આદિવાસી કિસાન મોરચા દ્વારા અમદાવાદનું નામ બદલીને આશાવલ કરવાની માંગ કરાઇ છે. જેને લઇને હવે અમદાવાદનું નામ બદલવાને લઇ રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલે આદિવાસી કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રોમેલ સૂતરિયાએ જણાવ્યું હતું કે, આશાવલના મૂળ શાસક આદિવાસી ભીલ સરદાર હતા. ત્યારપછી ચાલુક્ય રાજા કર્ણએ આશાવાલનું નામ કર્ણાવતી પાડ્યું હતું. તેથી મૂળ નામ આશાવલ જ રાખવું જોઇએ. અમારૂ સંગઠન ઈચ્છે છે કે અમદાવાદનું નામ અમદાવાદ અથવા આશાવલ રાખો પણ કર્ણાવતી નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ જેવા ગુજરાતના મુખ્ય શહેર જેનો રાજા એક આદિવાસી હતો. એટલે કે ગુજરાતમાં સૌ પ્રથમ આદિવાસીઓનું શાસન હતું. હવે તે સમયને ફરીથી રિપિટ કરવાનો સમય આવી ગયો છે.
આદિવાસી સમાજનો ઈતિહાસ ગોરવશાળી છે તેને સમજીને આગળ વધો. અમદાવાદનું નામ અમદાવાદ જ રહેવું જોઈએ અને જો બદલવું હોય તો આશાવાલ રાખો, અમદાવાદનું નામ કર્ણાવતી આદિવાસી સમાજ ક્યારેય સ્વીકારશે નહીં. રોમેલ સુતારીયા વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતું. ૯મી સદીથી ૧૩મી સદી સુધી આ નામ હતું તેવા પુરાવા ઈતિહાસમાં આજે પણ છે. આશાવલના મુળ શાસક આદિવાસી ભીલ સરદાર હતા. ઈતિહાસમાં થયેલા ઘટનાક્રમોના હિસાબે હવે અમદાવાદનું નામ બદલવાની ગંદી રાજનીતિ થઈ રહી છે. આ બધા વચ્ચે સૌથી પહેલો ન્યાય આદિવાસી રાજા અથવા આદિવાસી સમાજને મળવો જોઈએ.