નવીદિલ્હી : છેલ્લા એક વર્ષના ગાળામાં સરકારે નામ બદલવા માટે ૨૫ સ્થળોને મંજુરી આપી દીધી છે. ૨૫ સ્થળોના બદલવાને મંજુરી આપવામાં આવ્યા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે. કેટલીક દરખાસ્તો હજુ પેન્ડિંગ રહેલી છે જે પૈકી પશ્ચિમ બંગાળના રાજ્યમાં પણ એક દરખાસ્ત પેન્ડિંગ રહેલી છે. અલ્હાબાદ અને ફૈઝાબાદના નામ બદલવા માટેની દરખાસ્ત હાલમાં જ આવી છે. પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગલા કરવાની દરખાસ્ત પેન્ડિંગ રહેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ૨૫ સ્થળોના નામ બદલવાની મંજુરી આપી છે. અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવા અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાને લઇને દરખાસ્તો તૈયાર થઇ છે પરંતુ ઉત્તરપ્રદેશ સરકારના મંત્રાલય દ્વારા હજુ યાદી મળી નથી. કેટલાક નામને મંજુરી મળી ગઈ છે જેના નામ પણ બદલી દેવામાં આવ્યા છે.
નામ બદલવાને લઇને ઘણા લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત હાલમાં જ દિવાળી પર્વ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની દરખાસ્ત પણ તૈયાર થઇ ચુકી છે. જુદા જુદા શહેરોના નામ બદલીને અન્યત્ર કરવાની દરખાસ્ત ઉઠી રહી છે. ગૃહમંત્રાલય દ્વારા રેલવેની દરખાસ્તને પણ વિચારણા હેઠળ લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળનું નામ બંગલા કરવાનું સૂચન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે પરંતુ આ સંદર્ભમાં હજુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. કારણ કે, પડોશીદેશ બાંગ્લાદેશનું નામ હોવાથી બાંગ્લા નામ કરવાને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ભાજપના નેતા રાજાસિંહે કહ્યું છે કે, હૈદરાબાદ અને અન્ય શહેરોના નામ પણ બદલવાની યોજના છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નામ બદલીને દિનદયાળ ઉપાધ્યાય કરવાની દરખાસ્તને મંજુરી આપી હતી.