અમદાવાદ : દિવાળી દરમિયાન શ્વાસ અને કાનની બિમારીઓમાં હંમેશા વધારો થાય છે. આ વખતે પણ આશરે ૩૦-૪૦ ટકાનો વધારો આ પ્રકારની બિમારીમાં થઇ શકે છે. ધ્વનિપ્રદૂષણ અને વાયુ પ્રદૂષણના બનાવ દિવાળી દરમિયાન વધી જાય છે. આના માટે ફટાકડા મુખ્યરીતે જવાબદાર હોય છે. દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા માટે નાના મોટા સહુ કોઈ ઉત્સુક હોય છે, પરંતુ આ ફટાકડાથી થતો ધુમાડો અને અવાજથી સૌથી વધુ નુકસાન થાય છે. ખાસ કરીને નાના બાળકોમાં આ સમસ્યાનું પ્રમાણ વધી જાય છે.
નવરાત્રિથી શરૂ કરીને દિવાળી સુધી ફટાકડા ફોડવાનું ચલણ રહેતું હોવાથી આ સમયગાળામાં શ્વાસ, કાનની તકલીફ તેમજ દાઝી જવાના કેસમાં ૩૦ ટકાનો વધારો થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું દિવાળી પર સામાન્ય રીતે ઘર સહિતના સ્થળોએ સફાઈ કામગીરી થતી હોય છે ઉપરાંત ફટાકડા ફુટતા હોવાથી વાતાવરણમાં ધુમાડો અને ધુળનું પ્રમાણ વધી જાય છે.
નવરાત્રિ પર પણ વાતાવરણમાં ધુમાડો અને ધુળનું પ્રમાણ વધી જાય છે, જેને લીધે આ ધુમાડો અને ધુળ શ્વાસમાં જવાથી શ્વાસળીમાં સોજા આવવાની સમસ્યા વધુ જાવા મળે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા વધે કારણ કે તેઓ ફટાકડા ફોડતી વખતે સીધા જ તેના ધુમાડાના સંપર્કમાં આવે છે. યુવાનો નવરાત્રિ રમતી વખતે ઉડતી ધુળના સંપર્કમાં આવતા હોવાથી આ સમસ્યા સર્જાય છે જે છેક દેવદિવાળી સુધી ચાલુ રહે છે.