બેંગ્લોર : વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યા બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ આને પ્રજા તરફથી દિવાળી ભેંટ હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, ભાજપને પ્રજાએ નકારી કાઢી છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, બેલ્લારીમાં ગઠબંધનની જીત ખુબ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ મુક્ત ભારતની જે લોકો વાત કરી રહ્યા છે તે લોકોને જવાબ મળી ગયો છે. ભાજપનો લોકો અસ્વિકાર કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આગામી વર્ષે લોકસભામાં ચૂંટણીમાં ૨૦માંથી મોટાભાગની સીટો જીતશે. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, આ જીત કોંગ્રેસ માટે નવા પ્રાણ ફૂંકવા સમાન છે. કોંગ્રેસના નેતા શિવકુમારે કર્ણાટકની પ્રજાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, પ્રજાએ આ ચુકાદો ભાજપને આપ્યો છે જે પેટાચૂંટણી પહેલા જીત માટે દાવો કરી રહ્યા હતા. બેલ્લારી સીટ ભાજપ માટે ગઢ સમાન ગણવામાં આવતી હતી. શિવકુમારે કહ્યું હતું કે, અમે તમામ મતદારોનો આભાર માનીએ છીએ. કર્ણાટકના લોકોએ ભાજપને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે.
તેમણે કહ્યું હતું કે, બેલ્લારીમાં જીત ખુબ મહત્વપૂર્ણ છે. ભાજપના નેતા શ્રી રામુલુ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ તમામનો આભાર માનવા ઇચ્છુક છે. બીજી બાજુ ડીકે શિવકુમારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે.