અમદાવાદ : રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓની દિવાળીના તહેવારની મજા બગડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સર્વરની ટેકનીકલ ખામીને લઇ શહેરની પુરવઠા કચેરીના કર્મચારીઓનો ઓકટોબર માસનો પગાર આજે પણ બેંક ખાતામાં જમા થઇ શકયો ન હતો. જેને લઇ કર્મચારીઓ અને અધિકારવર્ગમાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી છવાઇ છે.
રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓનો પગાર આમ તો સામાન્ય સંજાગોમાં નિયમિત રીતે થઇ જતો હોય છે પરંતુ આ વખતે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલના સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતા અમદાવાની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના કર્મચારીઓ-અધિકારીઓનો પગાર સલવાયો છે.
હજુ સુધી આજે દિવાળીના આગલા દિવસ સુધી કર્મચારીઓનો પગાર ખાતામાં જમા થયો નથી, જેને લઇ કચેરીના કર્મચારીઓ-અધિકારીઓમાં દિવાળીના તહેવાર ટાણે જ પગારની તંગી ઉભી થતાં નારાજગી અને ઉદાસીનતાની લાગણી ફેલાઇ છે. ખાસ કરીને પુરવઠા કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓના પરિવારજનોની દિવાળીને લઇ ખરીદી સહિતના કામો અટવાઇ પડયા છે. જા કે, સરકારના સત્તાધીશો મોડે મોડે પણ કર્મચારીઓનો પગાર થઇ જાય અને તેમની દિવાળીની મજા બગડે નહી તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.