અયોધ્યા : દિવાળીના પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં પહોંચ્યા હતા અને ભવ્ય દિપોત્સવ ઉત્સવમાં જાડાયા હતા. દિવાળીના એક દિવસ પહેલા અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ત્રેતાયુગની જેમ જ શણગારવામાં આવી હતી. સરયુ નદીના કિનારે ત્રણ લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સ્વાગત માટે વ્યસ્ત રહ્યા હતા.
આજે આ ખાસ આયોજન ઉપર તમામની નજર કેન્દ્રીત થઇ ગઈ હતી. કાર્યક્રમમાં દક્ષિણ કોરિયાની સાથે સાથે રશિયા, ઇન્ડોનેશિયા અને ત્રિનિદાદના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તર અને રાષ્ટ્રીય સ્તરના અનેક વીઆઈપી લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબૂત કરવામાં આવી હતી. રામકથા પાર્કથી એનએચ ૨૮ને જાડનાર માર્ગને બંને તરફથી બેરિકેડિંગ કરવામાં આવી હતી. સોમવારથી જ ફોર વ્હીલર્સના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દિપોત્સવના ભવ્ય આયોજનને લઇને ૩૫૦૦૦ પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા હતા.
૧૨ એડિશનલ એસપી, ૩૦ ડીવાયએસપી, ૮૦ ઇન્સ્પેક્ટરો, ૨૫૦ એસઆઈ, ૩૨ મહિલા એસઆઈ, ૯૦૦ કોન્સ્ટેબલો, ૨૦૦ મહિલા કોન્સ્ટેબલો, ૧૩ હેડકોન્સ્ટેબલ ટ્રાફિક ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલયના ડેપ્યુટી ડિરેક્ટર યોગેશકુમારના કહેવા મુજબ સંકુલમાં ડીજીટલ થ્રીડી રામકથાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રેતા યુગની જેમ જ ભગવાન રામનું અયોધ્યામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પોતે ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પક વિમાનથી ત્રેતાયુગની જેમ જ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પહોંચ્યા હતા. સરયુ નદીના કિનારે લાખો દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. પરંપરાગતરીતે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.