અમદાવાદ : દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો છે. નોટબંધી અને જીએસટી જેવા બે મોટા આર્થિક સુધારા દેશમાં અમલી કરવામાં આવ્યા બાદ પણ હવે મુખ્ય ખરીદીમાં લોકો વ્યસ્ત બની ગયા છે. કોઇ પણ પ્રતિકુળ સંજાગોની અસર હવે લોકો પર દેખાઇ રહી નથી. નોટબંધી અને જીએસટી બાદ આર્થિક મંદીના માહોલમાં પણ ખરીદીનો માહોલ જામતા કારોબારીના ચહેરા પર રોનક આવી ગઇ છે. આજે ધનતેરસના દિવસે પણ જારદાર ખરીદી રહી હતી. હાલમાં અમદાવાદના મુખ્ય બજારોમાં ટ્રાફિકજામની સ્થિતિ જાવા મળી હતી. લોકો કલાકો સુધી અટવાયા હતા. અમદાવાદ શહેરમાં મુખ્ય ગણાતા બજારોમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
જેથી કામથી નીકળેલા લોકોને અટવાઈ પડવાની ફરજ પડી હતી. આજે બપોરના ગાળામાં ઈન્કમટેક્સથી કાળુપુર તરફ જતા માર્ગ અને રાયપુર, ખાડીયા સહિતના વિસ્તારોમાં મુખ્ય ભીડ જામી હતી કારણ કે આ બજારોમાં જ મુખ્ય દિવાળીની ખરીદી લોકો દ્વારા કરવામાં આવે છે. લાલદરવાજા, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈન્કમટેક્સથી કાળુપુર તરફ જતા માર્ગો દિલ્હી દરવાજા ખાતે બપોરથી જ લોકોની હાલાત કફોડી બની હતી. છેક દિલ્હી દરવાજાથી લઈને ઈન્કમટેક્સ સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
જેથી અટવાઈ પડેલા લોકોને વચ્ચેથી નીકળવાની પણ તક મળી ન હતી. તમામ રસ્તા પર ટ્રાફિકજામ જાવા મળ્યો હતો. દિલ્હી દરવાજા વિસ્તારમાં ફટાકડાની મુખ્ય દુકાનો આવેલી છે. આ દુકાનોમાં ખરીદી માટે દર વર્ષે પરંપરાગત રીતે દિવાળી પર્વના એક બે દિવસ પહેલાથી જ ખરીદીનો માહોલ જામે છે. આવીસ્થિતિ હવે શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ હવે યથાવત રહે તેમ માનવામાં આવે છે. રાયખડ વિસ્તારમાં પણ ફટાકડાના મુખ્ય બજારો છે. ફટાકડાના ભાવ આસમાને હોવા છતાં બાળકો ખરીદી માટે તેમના માતા-પિતા સાથે ઉમટી રહ્યા છે. બીજી બાજુ દુકાનદારો અને કારોબારીઓ પણ જુદા જુદા પ્રકારના આકર્ષક ફટાકડાઓના વેચાણમાં વ્યસ્ત બન્યા છે. કાળુપુર, મસ્તકી માર્કેટ, ખાડીયા, રાયપુર, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારો આગામી બે ત્રણ દિવસ દરમિયાન આજ સ્થિતિમાં રહે તેમ માનવામાં આવે છે. નાના કારોબારીઓ પણ ખુલ્લા રસ્તામાં જંગી વેચાણ કરી રહ્યા છે. રાત્રે પણ મોડી રાત સુધી માહોલ ખરીદીનો જામી રહ્યો છે.