અમદાવાદ : જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં જ ભાજપને સ્થાનિક કક્ષાએ ગંભીર ફટકો પડયો છે. ભાજપથી નારાજ એવા જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક દિગ્ગજ નેતા એવા ગજેન્દ્રભાઇ રામાણી આજે વિધિવત્ રીતે કોંગ્રેસ પક્ષમાં જાડાઇ ગયા હતા. રામાણીની સાથે તેમના વફાદાર અને ચુસ્ત સમર્થક એવા અન્ય ૧૬ આગેવાન-કાર્યકરો પણ તેમની સાથે કોંગ્રેસના પંજાનો હાથ થામી લીધો હતો. જસદણની પેટા ચૂંટણી પહેલાં ભાજપને ફટકો પડતાં અને સ્થાનિક કક્ષાએ તેમના મોટા માથા તૂટતાં કોંગ્રેસની છાવણી ગેલમાં આવી ગઇ છે. જસદણ-વીંછિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જસદણના જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જદસણ વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ખેડૂત સંમેલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાની હાજરીમાં જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ અને વીંછિયા તાલુકા ભાજપના પ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણી વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. અમિત ચાવડાએ રામાણીને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું કોંગ્રેસમાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સંમેલનમાં અમિત ચાવડા ઉપરાંત ધારાસભ્ય ઋત્વીજ મકવાણા, લલિત કગથરા, નૌશાદ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
ભાજપ દ્વારા પણ પેટા ચૂંટણીને લઇને એડી ચોટનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે તે પહેલાં આજે ગજેન્દ્ર રામાણીની સાથે વીંછિયા તાલુકા ભાજપના પ્રમુખ વાછાણી નાથાભાઇ, વીંછિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અરવિંદભાઇ ઝાપડિયા, ભરતભાઇ ગોહિલ સહિત ૧૬ જેટલા લોકો અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસમાં જોડાયા હતા. જસદણ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણીએ કોંગ્રેસમાં જોડાઇ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આજના ખેડૂત સંમેલન દરમ્યાન ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાનારા તમામ આગેવાનોને કોંગ્રેસના નેતાઓએ ઉષ્માભર્યો આવકાર આપી કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો અને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત નક્કી હોવાનો દાવો કર્યો હતો.