થિરુવંતનપુરમ : કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને જારી વિવાદ વચ્ચે ફરી એકવાર મંદિરના કપાટ ખુલવા જઈ રહ્યા છે. વિશેષ પુજાના આયોજન વચ્ચે કોઇપણ પ્રકારના ગતિરોધને દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બીજી તરફ હિંસાના કોઇ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં છઠ્ઠી નવેમ્બર સુધી કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. પમ્બાથી લઇને સન્નીધનમ વચ્ચે ૧૫૦૦ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચોથીથી છઠ્ઠી નવેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના આદેશ છતાં ગયા મહિનામાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની તક મળી ન હતી.
હજારની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો હતો અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી અટકાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટના આદેશની સામે ગયા મહિનામાં ખૂબ હિંસક પ્રદર્શન થયા હતા. આને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર તરફથી ચોથીથી છઠ્ઠી નવેમ્બર દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને સન્નીધનમ, પમ્બા, નિલાક્કર અને ઇલાવંકુલમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. નવેસરના આંકડા મુજબ ગયા મહિને મંદિર વિસ્તારમાં તથા બીજા સ્થળો પર ૧૬મીથી ૨૨મી ઓકટોબર અને સોમવાર સુધી અડચણો ઉભી કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને ૩૫૦૫ સુધી પહોંચી ગઈ હતી. જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૫૨૯ લોકોની સામે કેસ દાખલ કરાયો હતો. મંદિર પાંચ નવેમ્બરના દિવસે ખુલશે અને ત્યારબાદ ૧૬મી નવેમ્બરના દિવસે આશરે બે મહિનામાં બે વાર્ષિક તિર્થયાત્રા માટે મંદિરને ખોલી દેવામાં આવશે. સરકાર એકબાજુ કોર્ટના ચુકાદાને કોઈપણ કિંમતે લાગુ કરવાની વાત કરી રહી છે. બીજી બાજુ ભાજપ અને અન્ય પક્ષોના લોકો નિર્ણયની સામે રસ્તા પર આવી ગયા છે અને સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓને ટેકો આપી રહ્યા છે. ભાજપે બીજા તબક્કામાં આંદોલન મંગળવારથી શરૂ કરી દીધું છે. ભાજપનું કહેવું છે કે આગામી રથયાત્રામાં પાર્ટીને બિશપ અને મૌલાનાનું પણ સમર્થન છે. ભાજપની એનડીએ સરકારે છ દિવસ માટે રથયાત્રા યોજવાની જાહેરાત કરી દીધી છે. મંદિરના કપાટમાં ભાજપ પ્રમુખ અમિત શાહ સામેલ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સબરીમાલા મંદિરમાં જઈને પૂજા કરવાની બાબત તેમના વિવાદાસ્પદ નિર્ણય બાદ આવી છે.
અમિત શાહ કુન્નુરમાં પાર્ટી ઓફિસનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા ત્યારે જ તેઓએ ડાબેરી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે જાડાયેલા સુપ્રિમ કોર્ટના નિર્ણયને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સુપ્રિમના ચુકાદા ઉપર અમિત શાહે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સબરીમાલા મંદિર વિવાદને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે ખેંચતાણની સ્થિતિ જાવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયની તરફેણ કરનાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે વાંધો ઉઠાવનાર શ્રદ્ધાળુઓના બે ગ્રુપ વચ્ચે ખેંચતાણની સ્થિતિ છે. કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરમાં મહિલાઓના પ્રવેશને રોકાવા ફરી એકવાર કમરકસી ચુક્યા છે. દેખાવકારો ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓને પ્રવેશ ન આપવાની માંગણી ઉપર મક્કમ બનેલા છે. આજ કારણસર વહીવટીતંત્ર કોઇપણ પ્રકારની શંકાને ધ્યાનમાં લઇને પહેલા કરતા વધારે સાવધાન છે. હજુ સુધી મંદિરમાં પ્રવેશવાની કોઇ પણ મહિલાને તક મળી શકી નથી. સબરીમાલા મંદિરના મામલમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદથી જ ભારે હોબાળો રહ્યો છે. ઘણા દિવસ સુધી શ્રદ્ધાળુઓ મંદિરની બહાર એકત્રિત રહ્યા હતા અને મહિલાઓને પ્રવેશવાની તક આપી ન હતી.