અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારના પ્રેમચંદનગર રોડ પર આવેલા સાકેત બંગલોઝમાં રહેતા ગુજરાત હાઇકોર્ટના વકીલના ઘરમાંથી રોકડા રૂ. ૯૦ હજારની ચોરી થઇ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુમ થયેલી ચાવીથી અથવા ડુપ્લીકેટ ચાવીથી ઘર ખોલી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાની આશંકા સેવાઇ રહી છે. વસ્ત્રાપુર પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોડકદેવ વિસ્તારના પ્રેમચંદનગર રોડ પર આવેલા સાકેત બંગલોઝમાં રહેતા અર્પિતભાઈ સંઘવી ગુજરાત હાઇકોર્ટમાં વકીલ છે.
તેમના મોટાભાઈ ઇસરોમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તેમના માતા-પિતા થાઈલેન્ડ ગયા હતા. ગઈકાલે સવારે અર્પિતભાઈ અને તેમના ભાઈ ઘર બંધ કરી ઓફિસે ગયા હતા. સાંજે અર્પિતભાઈના ભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરમાંથી ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઘરના કબાટમાં રહેલા રોકડ રૂ. ૯૦ હજાર કોઈ ચોરી કરી ફરાર થઇ ગયું હતું. ઘરનો મુખ્ય અને અંદરનો દરવાજો કોઈ ચાવીથી ખોલેલો જણાયો હતો. દરવાજો તોડ્યા વગર જ ઘરમાં તસ્કરે પ્રવેશ કર્યો હતો.
છેલ્લા ચારેક મહિનાથી અર્પિતભાઈના ઘરે રિનોવેશનનું કામકાજ પણ ચાલતું હતું, જેમાં પાંચથી સાત લોકો કામ કરવા આવતા હતા. ઘરમાં ચાર ચાવીના ઝૂડા હતા તેમાંથી એક ઝૂડો અઠવાડિયા પહેલા ગાયબ થઇ ગયો હતો. કોઈ અજાણી વ્યક્તિએ ગુમ થયેલી ચાવીથી અથવા ડુપ્લીકેટ ચાવીથી ઘર ખોલી રૂ. ૯૦ હજારની ચોરી કરી હોવાની પોલીસ આશંકા સેવી રહી છે. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.