અમદાવાદ : જૂનાગઢ નજીકના વંથલી ગામે આવેલ મેંગો માર્કેટ ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે હાર્દિક પટેલની સભા યોજાઇ હતી. જેમાં યશવંતસિંહા અને ભાજપના સાંસદ શત્રુધ્નસિંહા પણ ખાસ હાજર રહ્યા હતા.
હાર્દિક પટેલ અને શત્રુધ્નસિંહાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ભાજપના દિગ્ગજ નેતા શત્રુધ્નસિંહાએ જણાવ્યું હતું કે, હજુ સુધી હું ભાજપમાં જ છું, મને પક્ષે બહાર કર્યો નથી. આગામી સમયમાં તે જોવાનું રહેશે, પરંતુ પાટીદારોને અનામત આપવાના મુદ્દે સરકારે પાટીદારો સાથે વાતચીત કરવી જોઇએ. સિંહાએ ઉમેર્યું કે, ગઈકાલે અમારા કાર્યક્રમમાં પણ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અને દાવા સાથે કહું છું કે, વડાપ્રધાનના કાર્યક્રમ કરતા અમારો કાર્યક્રમ દસગણો મોટો રહ્યો હતો. પરંતુ આ કાર્યક્રમને તેમના કાર્યક્રમની સરખામણીએ દસમા ભાગનું કવરેજ મળ્યું હતું.
લોકસભા-૨૦૧૯ની ચૂંટણી વિશે તેમણે જણાવ્યું હતું કે, હું ભાજપમાં જ છું અને મારા સ્વભાવ મુજબ પક્ષને અરીસો બતાવું છું. હાલ યુવાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં વિરોધીઓને દુશ્મન નહીં પણ પોતાના સમજીને તેની સાથે અન ચર્ચા-વિચારણા કરવી જોઈએ. પાટીદારોને અનામત મામલે તેમણે કહ્યું હતું કે, પાટીદાર સમાજ આમ તો ખૂબ સુખી-સંપન્ન છે. પરંતુ આ સમાજના મોટાભાગના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. સુપ્રીમ કોર્ટની અવગણના કરીને અનામત આપવી શક્ય નથી. પરંતુ તેમની મુશ્કેલીઓ અને રજૂઆતોને સાંભળી તેને દૂર કરવાના પ્રયાસો સરકારે જરૂર કરવા જોઈએ. સરકાર પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે, દીવો બુઝાયા પહેલા વધુ પ્રકાશ ફેંકે છે. હાર્દિક પટેલ સમાજના અને ખેડૂતોના હિતમાં ખૂબ સારૂ કામ કરતો હોવાનું જણાવી તેમણે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમના બે મોઢે વખાણ કર્યા હતા.