અમદાવાદ : છેલ્લે મળેલી મ્યુનિસિપલ સામાન્ય સભામાં મેટ્રો રેલના કામથી પૂર્વ અમદાવાદમાં રસ્તા ઠેર ઠેર તૂટી ગયા હોઈ નાગરિકો છેલ્લાં ચાર વર્ષથી હેરાન-પરેશાન છે તેવા વિપક્ષ કોંગ્રેસના આક્ષેપને સત્તાધારી ભાજપની રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેને ટેકો આપતાં ખુદ શાસકો ચોંકી ઊઠ્યા હતા, તેમાંય પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચેના ભેદભાવનો મામલો વધારે વિવાદાસ્પદ બન્યો હતો, જો કે, હવે વાસ્તવિકતા એ છે કે, મેટ્રોના કામથી સમગ્ર શહેરના તૂટેલા રસ્તા દેવદિવાળી બાદ જ સરખા એટલે રિપેર થવાના છે. અમ્યુકો તંત્રના આ પ્રકારના વલણને લઇ શહેરીજનોમાં પણ રોષની લાગણી ફેલાઇ છે.
કારણ કે, ખુદ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે જે તે વખતે આ મામલે મેટ્રો રેલના રૂટની આસપાસના જે બિસ્માર કે તૂટેલા રસ્તા હોય તે તાકીદે રિપેર કરવા અમ્યુકો સત્તાધીશોને સ્પષ્ટ નિર્દેશો કર્યા હતા પંરતુ અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના હુકમને પણ હળવાશથી લેવાઇ રહ્યા છે. બીજીબાજુ,પૂર્વ અમદાવાદના રબારી કોલોની, અમરાઈવાડી અને વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લાં ચાર વર્ષથી મેટ્રોના કામથી તૂટેલા રસ્તા રિપેર થતા નથી, જેના કારણે ધૂળ ઊડે છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તેમ રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન રમેશ દેસાઈએ જણાવીને વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે જો પશ્ચિમના વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઈ હોત તો આખી મેગા કંપની કામે લાગી ગઈ હોત. આમ, વિપક્ષી નેતા દિનેશ શર્માના પૂર્વ માટે તંત્રના ઓરમાયા વર્તનને આડકતરું સમર્થન આપ્યું હતું. અગાઉ વિપક્ષ કોંગ્રેસ તરફથી પૂર્વમાં અમ્યુકો તંત્ર દ્વારા હાથ ધરાતા કામોમાં ઓરમાયું વર્તન દાખવાતું હોવાના ગંભીર આક્ષેપો પણ થયા હતા.
જોકે અસલ વાસ્તવિકતાથી આ બંને ટોચના હોદ્દેદારો વાકેફ નથી, કેમ કે પશ્ચિમ અમદાવાદમાં પણ વાસણા એપીએમસી માર્કેટથી જીવરાજપાર્ક ચાર રસ્તા કહો કે શ્રેયસ ક્રોસિંગને સમાંતર ટ્રસ્ટનગર, અલકાપાર્ક, મોનાપાર્ક જેવી સોસાયટીને સાંકળતો રેલવે લાઇનને સમાંતર રસ્તો કહો કે સ્વામિનારાયણ ગુરુકુળ રસ્તો ગણો પણ પશ્ચિમ અમદાવાદમાં પણ મેટ્રોના કામથી ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે. બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ સંભાળતી મેગા કંપનીએ હવે રહી રહીને મેટ્રો કામથી પ્રભાવિત રસ્તાના રિપેરિંગ માટે ટેન્ડર મંગાવ્યા છે. આની ટેન્ડર સ્વીકારવાની પ્રક્રિયા આગામી તા. ૨થી તા. ૧૬ નવેમ્બર સુધી ચાલશે એટલે દેવદિવાળી બાદ જ મેટ્રો રેલ રૂટના રસ્તા રિપેર થશે. જા કે, મેટ્રો રૂટના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઇ નગરજનોમાં ઉગ્ર રોષની લાગણી પણ ફેલાવા પામી છે.