અમદાવાદ: તમારી ગાડી પોલીસના કબજામાં છે, જેમાંથી કોકેન અને બ્લડ સેમ્પલ મળેલ છે. જો તમારે તમારી જાતને બચાવી હોય તો પોલીસને ગિફ્ટ આપવી પડશે તેમ કહીને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ નવરંગપુરા પોલીસે કર્યો છે અને આ સમગ્ર કૌભાંડમાં બે સ્થાનિક યુવકો ઉપરાંત નાગાલેન્ડના ૧૭ યુવક-યુવતી મળી કુલ ૧૯ આરોપીઓની ધરપકડ કરી છે. ગત મોડી રાતે નવરંગપુરા પોલીસે કંઇક અલગ મોડેસ ઓપરેન્ડીથી વિદેશી નાગરિકોને ઠગતા એક કોલ સેન્ટરનો સ્ટેડિયમ પાંચ રસ્તા નજીક પર્દાફાશ કર્યો હતો. જેમાં દવાઓની આડઅસર થઇ હોય તેવા વિદેશી નાગરિકોના ડેટા મેળવવા માટેનું કાયદેસર કોલ સેન્ટર ચાલતું હતું.
લીગલ કોલ સેન્ટરની આડમાં તેઓ બીજા વિદેશી નાગરિકોને તમારી લોન ઓવર ડ્યૂ થઇ ગયેલ છે, જો તમારે કોર્ટ બહાર સેટલમેન્ટ કરવું હોય તો વોલમાર્ટ અથવા ગૂગલ પ્લેનું બે હજાર ડોલરનું ગિફ્ટ વાઉચર લઇને તેનો નંબર અમને આપો તેમ કહીને ચીટિંગ કરતા હતા. સીજીરોડ પર આવેલ સ્ટેડિયમ પાંચ રસ્તા નજીક પોલારિશ બિલ્ડિંગના ત્રીજા માળે ટેલિકોમ કંપનીના કોલ સેન્ટરની આડમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલે છે તેવી બાતમી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલ આહીરને મળી હતી. આ કોલ સેન્ટર ધનુષી ટેકનોલોજી અને એલસન ટેકનોલોજીના નામથી ધવલ શાહ અને આલોક કોષ્ટી ચલાવતા હતા. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ઘટનાસ્થળેથી ૧૪ કમ્પ્યૂટર, મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ધવલ શાહ અને આલોક કોષ્ટિ પહેલાં ટેલિકોમ કંપનીના કોલ સેન્ટરની આડમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હતા. એક મહિના પહેલાં ટેલિકોમ કંપનીનું કોલ સેન્ટર બંધ કરી દીધુ હતું. બન્ને જણાએ કાયદેસર કોલ સેન્ટરની આડમાં વિદેશી નાગરિકોની સાથે ઠગાઇ કરવાનું શરૂ કર્યું હતું.
યુએસમાં દવાની આડઅસરથી કોઇ પણ વિદેશી નાગરિકોને અસર થઇ હોય તેનો ડેટા ભેગો કરીને વિદેશમાં વેચવાનું કાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા. વિદેશમાં કોઇ પણ નાગરિકને દવાની આડઅસર થાય તો જે તે ફાર્માસ્યુટિકલ કંપની વિરુદ્ધમાં કોર્ટમાં કેસ થાય છે. ધવલ શાહ અને આલોક કોષ્ટી પોતાના કોલ સેન્ટરમાં અમેરિકાના કોઇ કસ્ટમરને દવાની આડઅસર થઇ હોય તેવા કસ્ટમરના ડેટા એકત્ર કરી કોલ સેન્ટરની આડમાં લોનની આપવાની તેમજ વેરિફિકેશન ફી, તમારી લોન ઓવર ડ્યૂ થઇ ગયેલ છે, જો તમારે કોર્ટ બહાર સેટલમેન્ટ કરવું હોય તો વોલમાર્ટ અથવા ગૂગલ પ્લેનું બે હજાર ડોલરનું ગિફ્ટ વાઉચર લઇને તેનો નંબર અમને આપો તેમ કહીને ચીટિંગ કરતા હતા.
આ સિવાય અમેરિકામાં કોઇ નાગરિકની કાર ખોવાઇ હોય તેની માહિતી મેળવી તેને કોલ કરતા હતા અને તમારી ગાડી પોલીસ કબજામાં છે, જેમાંથી કોકેન અને બ્લડ સેમ્પલ મળેલ છે જો તમારે તમારી જાતને બચાવી હોય તો પોલીસને ગિફ્ટ આપવી પડશે તેમ કહીને ચીટિંગ કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન કેટલી ઠગાઇ કરવાની કેટલીક સ્ક્રિપ્ટ પણ જપ્ત કરી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોલ સેન્ટરના માલિક સહિત ૧૯ લોકોની ધરપકડ કરી છે. ધવલ શાહ અને આલોક કોષ્ટીએ વિદેશી નાગરિકોને કોલ કરવા માટે ૧૭ નાગાલેન્ડના યુવક અને યુવતીઓ રાખ્યા હતા. નવરંગપુરા પોલીસે ૩ યુવતી સહિત ૧૯ લોકોની ધરપકડ કરી છે. આરોપી ધવલ શાહ અને આલોક કોષ્ટિએ કોલસેન્ટર પર દરોડા પડે નહી અને કોઇ કર્મચારી પોલીસનો બાતમીદાર બને નહી તે માટે તેમને નાગાલેન્ડના તમામ કર્મચારીઓ કોલ કરવા માટે રાખ્યા હતા. તમામને રહેવા ખાવા પીવાની સુવિધા પણ આ લોકોએ કરી આપી હતી. જા કે, નવરંગપુરા પોલીસે આરોપીઓના મનસૂબા પર પાણી ફેરવી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો.