અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો વકરી રહ્યો છે. બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શન અને મલેરિયા, ડેન્ગ્યુ સહિત સ્વાઈન ફ્લૂના કેસની સત્તત વધતી જતી સંખ્યાના કારણે દિવાળી તહેવારોમાં કોઈ પણ પ્રકારની ઇમર્જન્સીનો પહોંચી વળવા માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં છ થી આઠ જેટલા વિભાગના સ્ટાફનું વેકેશન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે તો બીજી તરફ દિવાળીના તહેવારમાં અકસ્માત, મારામારી, દાઝી જવું વગેરે કેસમાં વધારો જોવા મળતો હોઇ તેને લઇને પણ હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓની સારવાર અને ઇમરજન્સી કેસોની સારવાર માટે ખાસ આયોજન હાથ ધર્યું છે.
વેકેશન દરમિયાનની ઇમર્જન્સીનો પહોંચી વળવા ૧૦૮ ઇમર્જન્સીની ટીમે વધુ સમય કામ કરવાની તૈયારી બતાવી છે. ઉપરાંત તે સમયે જરૂર પડતી દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે અને પપ૦ ઉપરાંતની એમ્બ્યુલન્સનું મેન્ટેનન્સનું કામ પૂરું કરી તમામને સજ્જ કરવામાં આવ્યા છે. અમારી ટીમ પોતાની દિવાળી દરમિયાનની રજાઓ પણ જતી કરવા તૈયાર બની છે. દિવાળીના સમયે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી સર્જાય તો તેને પહોંચી વળવા માટે મેડિકલ સ્ટાફ કાર્યરત રહેશે. આ ઉપરાંત આ દિવસોમાં રોગચાળો વકરેલો હોઈ ટ્રોમા સહિત મેડિકલ વિભાગનો સ્ટાફ તહેવારોમાં કાર્યરત રહેશે.
ગુજરાતના ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ દિવાળી દરમિયાન ૧૦૮ની સેવાઓ બાબતે જણાવતાં કહ્યું હતું કે છેલ્લા આઠથી નવ વર્ષ દરમિયાન થયેલા અનુભવ મુજબ કયા વિસ્તાર અને કયા દિવસોમાં ઈમર્જન્સી કેસ વધુ આવે છે તે અભ્યાસના પૃથક્કરણ અને આગાહીના માધ્યમો પ્રમાણે ૧૦૮ની સેવા તૈયાર રાખવામાં આવી છે તહેવારો દરમિયાન અમદાવાદ જેવા મોટા શહેરોમાં આ તહેવારોમાં દાઝવા અને અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે. દિવાળી સમયે ફટાકડા ફોડવાને કારણે દાઝવાના બનાવ બને છે. જ્યારે ભાઈબીજ અને બેસતા વર્ષે સગાં-સંબંધીઓને નવા વર્ષ શુભેચ્છા આપવા વાહન પર જતી વખતે અકસ્માતના બનાવો બનતા હોય છે. છેલ્લા ત્રણેક વર્ષ કરતાં આ વર્ષે દિવાળીમાં ૧૦ ટકા, નવા વર્ષે ૪૧ ટકા અને ભાઈબીજના દિવસે ૧૯ ટકા વધુ કેઝ્યુલીટી કેસ આવે તેવી શક્યતાઓ છે. દિવાળીના ત્રણ દિવસના તહેવાર બુધ, ગુરુ અને શુક્રવારે આવે છે. જેમાં શનિ, રવિના વીકએન્ડ ડે ઉમેરાતા પાંચ દિવસ તહેવારોનો માહોલ રહે તેવું જણાઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગત સમયે ૩ર૦૦ થી ૩પ૦૦ કેસ વધીને ૩૭૦૦થી ૪૦૦૦થી વધુ થવાની શક્યતા છે.