મુંબઈ : મુંબઈમાં આજે રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિન્ડિઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી. આ પહેલાની મેચમાં વિન્ડિઝે ભારત ઉપર જીત મેળવી હતી. જ્યારે પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઈમાં પરિણમી હતી. આજે રમાયેલી મેચમાં રોહિત શર્માએ ફરી એકવાર ધરખમ બેટિંગ કરી હતી અને ૧૩૭ બોલમાં ૨૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૬૨ રન ફટકાર્યા હતા.
આ ઉપરાંત રાયડુએ ૮૧ બોલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. સતત ત્રણ સદી ફટકારી ચુકેલા કોહલીની વિકેટ આજે સસ્તામાં પડી હતી. કોહલી માત્ર ૧૬ રન કરીને આઉટ થયો હતો. વિન્ડિઝની ટીમ ભારતના પાંચ વિકેટે ૩૭૭ રનના મહાકાય સ્કોરના જવાબમાં માત્ર ૧૫૩ રન કરીને ઓલઆઉટ થઇ હતી. વિન્ડિઝની ટીમ ૩૬ ઓવર જ બેટિંગ કરી શકી હતી. હોલ્ડરે સૌથી વધુ અણનમ ૫૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી અહેમદ અને કુલદીપે ૩-૩ વિકેટો ઝડપી હતી.
હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો. વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.