જમ્મુ : પાકિસ્તાન તરફથી એલઓસી ઉપર વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરવામા આવ્યા બાદ ભારતીય સેનાએ જોરદાર જવાબી કાર્યવાહી કરી છે. ૨૩મી ઓક્ટોબરના દિવસે પૂંચ જિલ્લામાં એલઓસી ઉપર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ સેનાએ સર્જિકલ સ્ટ્રાઇકના અંદાજમાં જ નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટરને ફૂંકી માર્યું હતું. દુશ્મનના સૈન્ય હેડક્વાર્ટરને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો હતો.
એલઓસી પર સેનાએ મોટુ ઓપરશન હાથ ધર્યું હતું. એમ માનવામાં આવે છે કે, સેના તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું હતું. ભારતીય જવાનો ઉપર પાકિસ્તાનની બેટ ટીમ દ્વારા ૨૧મી ઓક્ટોબરના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. એક જવાનને ઇજા થઇ હતી. આ કાર્યવાહી બાદ અંકુશરેખા ઉપર ભારે તંગદિલીપૂર્ણ સ્થિતિ હતી. બંને દેશોના લશ્કરી અધિકારીઓ હોટલાઈન ઉપર વાતચીત પણ કરી રહ્યા ન હતા. અંકુશરેખા ઉપર ટેન્શનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી ન હતી.
પાકિસ્તાની સેનાના જવાનોએ પૂંચ અને અન્ય સેક્ટરમાં ૨૩મી ઓક્ટોબરના દિવસે ગોળીબાર કર્યો હતો. આ ગાળોબારના જવાબમા ભારતીય સેનાએ જારદાર કાર્યવાહી કરી હતી. અંકુશરેખાની નજીક એક પાકિસ્તાની હેડક્વાર્ટરને ફૂંકી મારવામાં આવ્યું હતું. સેના તરફથી આ ઓપરેશન બાદ આજે તેના સેટેલાઇટ ફોટાઓ પણ સપાટી ઉપર આવ્યા છે. આ પહેલા અંકુશરેખા અને સરહદ પર પાકિસ્તાની ગોળીબારના જવાબમાં ભારતીય સુરક્ષા દળોએ અનેક મોટા હુમલા કર્યા છે. પૂર્વમાં મે મહિનામાં જ પાકિસ્તાન દ્વારા નવશેરા સેક્ટરમાં ભારે ગોળીબાર કરાયો હતો. ત્યારબાદ ૧૯મી મેના દિવસે પાકિસ્તાની બંકરોને મિસાઇલ હુમલામાં ફુંકી મારવામાં આવ્યા હતા. ત્યારબાદ સરહદ સુરક્ષા દળ તરફથી વિડિયો પણ જારી કરાયા હતા.