જાકર્તા : ઇન્ડોનેશિયાનુ લાયન એરનુ વિમાન આજે સવારે જાકર્તાથી ઉંડાણ ભર્યા બાદ મિનિટોના ગાળામાં જ દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા તમામ ૧૮૮ યાત્રીઓના મોત થયા હોવાની દહેશત છે. જા કે યાત્રીઓના સંબંધમાં હાલમાં કોઇ માહિતી આપવામાં આવી નથી. વિમાન જેટી-૬૧૦ જાકર્તાથી પંગકલ પિનોન્ગ તરફ જઇ રહ્યુ હતુ. અકસ્માત થયા બાદ બચાવ અને રાહત ટુકડી તરત જ સ્થળ પર રવાના કરવામાં આવી છે. વિમાન તુટી પડવાના હેવાલને સમર્થન મળી ચુક્યુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિમાને જાકર્તા વિમાનીમથકથી ઉડાણ ભરી હતી. વિમાન સુમાત્રાના પંગકલ પિનોન્ગ તરફ જઇ રહ્યુ હતુ. ટેક ઓફ કરવામાં આવ્યા બાદ ૧૩ મિનિટના ગાળામાં જ વિમાને સંપર્ક ગુમાવી દેતા દહેશત ઉભી થઇ ગઇ હતી. લોયન એર બોઇંગ ૭૩૭ વિમાનમાં ક્રુ મેમ્બરો ઉપરાંત યાત્રી મળીને કુલ ૧૮૮ લોકો હતા. એમ કહેવામાં આવે છે કે સંપર્ક તુટી જતા પહેલા પાયલોટે પ્લેનની વાપસીના સિગ્નલ આપ્યા હતા.
સર્ચ ઓપરેશનમાં રહેલા અધિકારીઓના કહેવા મુજબ જાવા દરિયા કિનારે વિમાનના તુટેલા હિસ્સાના કાટમાળ મળ્યા છે. વિમાનમાં કુલ ૧૮૮ લોકો હતા જે પૈકી ૧૭૮ પુખ્ત વયના લોકો, બે બાળક, બે નવજાત શિશુ, પાંચ ક્રુ મેમ્બરોનો સમાવેશ થાય છે. યાત્રીઓના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. ભારતીય સમય સમંજબ સવારે ૬-૩૩ વાગે આ વિમાને ઉંડાણ ભરી હતી. વિમાનની ભાળ મેળવી લેવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. ઇન્ડોનેશિયામાં એક પછી એક કુદરતી અને માનવસર્જિત દુર્ઘટના થઇ રહી છે. હાલમાં ભૂકંપ અને સુનામીના કારણે પણ ભારે નુકસાન થયુ હતુ. કોઇ જીવિત મળે તેવી શક્યતા ઓછી છે. હાલના સમયના ઇન્ડોનેશિયાની મોટી વિમાન દુર્ઘટના તરીકે આને ગણવામાં આવે છે.