મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૧૩૫૧૬૨.૧૫ કરોડ રૂપિયા સુધીનો સંયુક્તરીતે ઘટાડો થયો છે. બેંચમાર્ક બીએસઈ સેંસેક્સ ૩ ટકા સુધી ઘટી જતાં તેની સીધી અસર જાવા મળી હતી. ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ફોસીસના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. માત્ર બે બ્લુચીપ કંપનીઓ એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સુધારો થયો હતો અને તેમની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં માત્ર બે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે.
એચડીએફસી બેંક, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલીવર, એસબીઆઈ, કોટક મહિન્દ્રા સહિતની કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ૪૪૦૭૧.૮ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી શુક્રવારના દિસે ઘટીને ૬૭૫૬૭૯.૧૫ કરોડ નોંધાઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન ૬૬૨૧૮૦.૪૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેની માર્કેટ મૂડીમાં ૩૬૦૯૭.૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન ૨૧૪૪૭.૯ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.
આઈટીસીની માર્કેટ મૂડી ૯૫૪૯.૩૩ કરોડ રૂપિયા ઘટી છે. એસબીઆઈ, કોટક મહિન્દ્રા, એચયુએલની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન માત્ર બે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે જેમાં એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. આ બંને કંપનીઓની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૬૮૮૬.૯૫ કરોડ અને ૧૧૭.૪૭ કરોડનો વધારો થયો છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી ટોપ ટેન કંપનીઓની માર્કેટ મૂડીમાં પ્રવેશી ગઈ છે. ટોપ ટેન કંપનીઓના મામલામાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક પર અને આરઆઈએલ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં બીએસઈ ઇન્ડેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી તેની સપાટી ૩૩૩૪૯ નોંધાઈ હતી.