મુંબઇ : શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં ૧૦ પરિબળોની સીધી અસર જાવા મળે તેવી શક્યતા છે. તમામ ક્ષેત્રોમાંથી નકારાત્મક સમાચાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મૂડીરોકાણકારો સ્થિતિ બદલાઈ તેને લઇને રાહ જાઈ રહ્યા છે અને હકારાત્મક ઘટનાક્રમને લઇને આશાવાદી છે. દલાલસ્ટ્રીટમાં વૈશ્વિક પરિબળો સહિત ૧૦ પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. સ્થાનિક ક્રેડિટ કટોકટીને લઇને માર્કેટને મોટો ફટકો પડ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણી આંકડા, માઇક્રો મોરચે રહેલા પડકારો, ચીન અને અમેરિકા વચ્ચે ગ્લોબલ ટ્રેડવોર, વિકાસને લઇને ચિંતા, ક્રૂડની વધતી જતી કિંમતો અને ડોલર સામે રૂપિયાની નબળાઈ જેવા પરિબળોની અસર શેરબજાર ઉપર પણ રહે તેમ માનવામાં આવે છે.
શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. અભૂતપૂર્વ ઘટનાક્રમના દોર વચ્ચે કેટલાક પરિબળો એવા છે જે આવતીકાલથી શરૂ થતાં કારોબારી સત્ર દરમિયાન અસર કરી શકે છે. વૈશ્વિક ઘટનાક્રમકની અસર જાવા મળી શકે છે. ક્રેડિટ માર્કેટને લઇને કટોકટી પ્રવર્તી રહી છે. આરબીઆઈ, બેંકો અને સરકાર દ્વારા લેવામાં આવી રહેલા જુદા જુદા પગલાઓ વચ્ચે પણ રોકાણકારોને આત્મવિશ્વાસ વધી રહ્યો નથી. એનડીએફસીના શેર પહેલાથી જ તીવ્રરીતે ઘટી રહ્યા છે.
અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા. સપ્ટેમ્બર મહિના માટેના ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. દેશના મુખ્ય આઠ સેક્ટરો કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ફર્ટીલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટી જેવા સેક્ટરોને મળીને બનેલા આઠ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા ઓગસ્ટ મહિનામાં ૪.૨ ટકાની આસપાસ રહ્યા હતા. કોલસા અને રિફાઈનરી પ્રોડક્ટનું ઉત્પાદન હળવું બન્યું હતું.
આ આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરો કુલ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન પૈકી ૪૦.૨૭ ટકાનું યોગદાન આપે છે. જાપાન દ્વારા સપ્ટેમ્બર મહિનાના બેરોજગારીના આંકડા મંગળવારે જારી કરવામાં આવનાર છે. બુધવારના દિવસે વૈશ્વિક માર્કેટના આધાર જાપાનની સર્વોચ્ચ બેંક ઉપર નજર રહેશે. જાપાનની સર્વોચ્ચ બેંક વ્યાજદરમાં કોઇ ઘટાડો કરે છે કે કેમ તેને લઇને ચર્ચા છે. ઓટો કંપનીઓ આગામી સપ્તાહમાં ઓક્ટોબર વેચાણના આંકડા જારી કરશે. વધતા જતા ફ્યુઅલના ભાવ વચ્ચે ઉંચા ઇન્સ્યોરન્સ પ્રિમિયમ અને હાલમાં ઓટો કંપનીઓ દ્વારા ભાવ વધારાના લીધે પેસેન્જર કાર અને ટુ વ્હીલર સાધનોના વેચાણમાં ઘટાડો જાવા મળી શકે છે. લ્યુપિન અને વેદાંતા દ્વારા આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરાશે.