નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલયા સામે રમાનારી ટી-૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમમાંથી મહેન્દ્ર સિંહ ધોનીને પડતો મુકવામાં આવ્યો છે. આની સાથે જ તેની ટ્વેન્ટી કેરિયર હવે પૂર્ણ થઇ રહી હોવાની ચર્ચા ચાહકોમાં છેડાઇ ગઇ છે. હવે ટ્વેન્ટી ક્રિકેટમાં તેની વાપસી થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ધોનીને ટીમમાંથી બહાર કરવા માટેના કારણ આપતા કહ્યુ હતુ કે પસંદગીકારોને બીજા વિકેટકિપરની તપાસ છે.
બીસીસીઆઇ દ્વારા શુક્રવારના દિવસે વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. હૈરાનીની વાત એ છે કે ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જામ્યા બાદથી પ્રથમ વખત ટીમની બહાર થયો છે. પ્રસાદે કહ્યુ હતુ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટ્વેન્ટી શ્રેણીમાં ધોની રમશે નહીં. કારણ કે અમે બીજા વિકેટકિપરની શોધ કરી રહ્યા છીએ. ટીમની સાથે પંત અને દિનેશ કાર્તિક રહેલા છે. જેથી તેમને વિકેટકિપિંગ અને બેટ્સમેન તરીકે તક મળશે. ૩૭ વર્ષીય ધોનીએ ભારત તરફથી સૌથી વધારે ટ્વેન્ટી મેચો રમી છે. ભારતે ડિસેમ્બર ૨૦૦૬માં પોતાની પ્રથમ ટ્વેન્ટી મેચ રમી હતી ત્યારબાદથી હજુ સુધી કુલ ૧૦૪ ટ્વેન્ટી મેચો રમી છે જે પૈકી ધોનીએ ૯૩ મેચો રમી છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્ષ ૨૦૦૭માં પ્રથમ ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ધોન ઇંગ્લેન્ડના પ્રવાસમા પણ ટી ટીમમાં હતો પરંતુ તેને ત્રણમાંથી માત્ર એક વખતે જ બેટિંગની તક મળી હતી. વન ડેની વાત કરવામાં આવે તો કેદારને ચોથી અને પાંચમી મેચ માટે સામેલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા અને પાર્થિવ પટેલની વાપસી થઇ છે.
જો કે શિખર ધવનને પડતો મુકી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં ૧૮ સભ્યો રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થઇ જશે. ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા ૧૬મી નવેમ્બરે રવાના થશે. જ્યારે ૨૮મી નવેમ્બરના દિવસે વાર્મ અપ મેચ રમાનાર છે. છ ડિસેમ્બરના દિવસે પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે શરૂ થશે. ભારતીય ટીમમાં ધોનીને ટ્વેન્ટી શ્રેણી માટે સામેલ કરવામાં ન આવતા ચાહકો ભારે નારાજ દેખાઇ રહ્યા છે. તેમના કહેવા મુજબ ધોની વિકેટકિપરના મામલે આજે પણ દુનિયામાં શ્રેષ્ઠ છે. ચાહકો માને છે કે ધોનીને ટીમમાં હાલમાં રાખવાની જરૂર છે. તે દરેક રીતે ટીમમાં સ્થાન માટે લાયક છે.
ભારતીય ટેસ્ટ ટીમ : કોહલી (કેપ્ટન), મુરલી વિજય, રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, પંત, પાર્થિવ પટેલ, અશ્વીન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર