નવીદિલ્હી : કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે અને સુપ્રીમ કોર્ટે આજે આ સંદર્ભમાં પોતાનો ફેંસલો પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરતા નાણામંત્રી અરુણ જેટલીએ આને રચનાત્મક નિર્ણય તરીકે ગણાવીને પ્રશંસા કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, જે સંસ્થા પર ભ્રષ્ટાચારની તપાસની જવાબદારી છે તેના જ બે ટોચના અધિકારીઓ ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. જેટલીએ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતુ. જેટલીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસની દેખરેખમાં થનારી સીવીસી તપાસથી તમામ વિગતો સામે આવી જશે.
જેટલીએ સીબીઆઈ વિવાદના સંદર્ભમાં સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર સરકાર કોઇ ખાસ વ્યક્તિ સાથે કોઇ લેવા દેવા ધરાવતી નથી. સુપ્રીમ કોર્ટે આજે બે સપ્તાહમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો. નાણામંત્રીએ સુપ્રીમ કોર્ટના આદેશ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ અપાયો છે તે ખુબ જ સકારાત્મક છે. તેમણે કહ્યું હતું કે, આમા વિવાદો રહેલા છે. એક જ કેસમાં એજન્સીના નિર્દેશકના મત અને ખાસ નિર્દેશકના જુદા મત છે. જ્યારે તપાસ કરનાર સંસ્થા ઉપર જ આક્ષેપ થાય છે ત્યારે તેમાં તપાસ ઉપયોગી થઇ જાય છે. સીવીસીની સામે સીબીઆઈ એકાઉન્ટેબલ છે.
આના ઉપર સીવીસીએ ચુકાદો આપ્યો હતો કે, અધિકારીઓને રજા ઉપર મોકલી દેવા જાઇએ જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધો છે. પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય ખુબ મહત્વપૂર્ણ હતો. સુપ્રીમ કોર્ટે જે મોટી ચીજા જાડી છે તે ખુબ ઉપયોગી છે. સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવાનું કહેવા અને નિવૃત્ત જસ્ટિસની દેખરેખમાં આદેશ ખુબ મહત્વપૂર્ણ છે. આનાથી તપાસને મજબૂતી મળશે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, અમારી સરકાર પ્રોફેશનાલિઝમ અને બંધારણીય અખંડતાને જાળવી રાખવા માટે કામ કરી રહી છે. સીવીસી તપાસમાં તમામ વિગત સપાટી ઉપર આવી જશે. દેશમાં આ પ્રકારની બાબતોને ચલાવી લેવાય નહીં. ભ્રષ્ટાચારમાં તપાસ કરનાર બે અધિકારી ઉપર આંગળી ઉઠે તે યોગ્ય નથી.