અમદાવાદ : સીબીઆઈમાં ચાલી રહેલી ખેંચતાણ અને સીબીઆઇના નિર્દેશક આલોક વર્મા પાસેથી અધિકારો પરત લઇને તેમને રજા ઉપર મોકલી દેવાના વિરોધમાં કોંગ્રેસે આજે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કર્યા હતા જેના ભાગરુપે ગુજરાતમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૪૦થી વધુ ટોપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સીબીઆઈ કાર્યાલયની બહાર જારદાર વિરોધ પ્રદર્શન કરાયા હતા. દેશભરમાં રાજકારણ અને લોકોમાં ચર્ચાનો મુદ્દો બનેલા સીબીઆઇના અધિકારીઓની બદલી અને લાંચના આક્ષેપના પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત આજે ગુજરાતમાં પાટનગર ગાંધીનગરમાં પણ પડયા હતા. સીબીઆમાં મચેલી ઘમાસાણ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓએ ગાંધીનગર સીબીઆઇ ઓફીસ ખાતે રેલી યોજી ઉગ્ર દેખાવો કર્યા હતા.
રેલીમાં નેતાઓ અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન, સીબીઆઇ અને ભાજપ વિરૂધ્ધ સુત્રોચાર કરી સીબીઆઇની વિશ્વસનીયતા વિષે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. રેલીને સીબીઆઇ ઓફીસ બહાર જ અટકાવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને ગાંધીનગર ડીએસપી ઓફીસ લઇ જવામાં આવ્યા હતા. આજે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ ચ-૩ સર્કલ આગળથી કોંગ્રેસના ધારાસભ્યો સી.જે. ચાવડા, શૈલેષ પરમાર, નૌશાદ સોલંકી, બળદેવજી ઠાકોર, ઇમરાન ખેડવાળા, ગ્યાસુદ્દીન શેખ, સુરેશ પટેલ અને નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી,ગુલાબખાન રાવમા અને યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલીમાં સીબીઆઇ, ભાજપ અને પ્રધાનમંત્રી વિષે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા સીબીઆઇ વિરૂધ્ધ સીબીઆઇ, રાફેલ ડીલ સંદર્ભે પ્રશ્નો ઉઠાવતા બેનરો અને પોસ્ટરો સાથે જારદાર વિરોધ પ્રદર્શન કરતી રેલી કાઢવામાં આવી હતી.
. રેલીને ચ-૩ થી સેક્ટર-૧૦માં આવેલી સીબીઆઇ ઓફીસની આગળ જ પોલીસના ચુસ્ત બંદોબસ્તે અટકાવી દીધી હતી અને બળપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વાનમાં મૂકીને અટકાયત કરી હતી. અર્જુન મોઢવાડિયા, સી. જે. ચાવડા જેવા નેતાઓની પણ પોલીસે અટકાયતકરી હતી જેમાં આશરે કુલ ૫૦ જેટલા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરીને ગાંધીનગર જીલ્લા પોલીસ વડાની કચેરીએ લઇ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જે રીતે વિદેશની કચેરીઓ પર, વિદેશ પર હુમલો કરીને કબજો લેવામાં આવે તે રીતે સીબીઆઇના ડાયરેક્ટરની ઓફીસને રાતોરાત સીઝ કરવામાં આવી. એટલું જ નહી, તેઓને રાતોરાત ખસેડી અને એવા અધિકારીને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે જે અધિકારી પર તપાસો ચાલે છે અને ભ્રષ્ટાચારના આરોપો છે. ડાયરેક્ટરને મુકવાના અને હટાવવાના અધિકાર જે છે એ માત્ર ને માત્ર, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા, વડાપ્રધાન અને વિરોધપક્ષના નેતાની બનેલી કમિટીના છે જેનું ઉલ્લંઘન કરીને નિમણુંક કરી દેવામાં આવી છે. સરકારે દેશની સર્વોચ્ચ તપાસનીશ એજન્સી સીબીઆઇની છાપ ખરડી છે.