અમદાવાદ : નાના બાળકોને ઇન્ફેકશનથી થતાં વિવિધ રોગો, તેની સામે રક્ષણ અને તેના નિવારણ સહિતના વિષયોને લઇ અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર નેશનલ કોન્ફરન્સ ઓન પીડિયાટ્રીક ઇન્ફેકશન ડિસીઝનું આયોજન થયું હતું. એકેડમી ઓફ પીડિયાટ્રીક, અમદાવાદ અને ગુજરાત આઇપી, આઇડી ચેપ્ટર દ્વારા આયોજિત આ બહુ મહત્વની કોન્ફરન્સમાં દેશભરમાંથી ૮૦૦થી વધુ નિષ્ણાત તબીબો, પીડિયાટ્રીશીયન સહિતના તજજ્ઞોએ ભાગ લીધો હતો. તો, ૬૦થી વધુ નિષ્ણાત ફેક્લ્ટીઝ દ્વારા પણ બહુ ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે એનસીપીઆઇડી-૨૦૧૮ના ઓર્ગેનાઇઝર પ્રમુખ ડો.અભય શાહ અને સેક્રેટરી ડો.ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં ઇન્ફેકશનથી થતાં રોગોનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. એકથી પાંચ વર્ષના બાળકોને થતાં ૮૦થી ૯૦ ટકા રોગો ઇન્ફેકશનથી થતા હોય છે, જેમાં ન્યુમોનિયા અને ડાયેરીયા સૌથી વધુ ઘાતક સાબિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને થતાં ઇન્ફેકશનમાં સૌથી વધુ ઝડપથી વાયરલ, બેકટેરીયલ, એલર્જીક, ફન્ગલ સહિતના કારણો જવાબદાર હોય છે. આ બધા ઇન્ફેકશનના કારણે એકથી પાંચ વર્ષના બાળકો ન્યુમોનિયા, ડાયેરીયા, ઓરી, અછબડા, ઉંટાટીયુ, સૂકી ઉધરસ, ખાંસી સહિતના રોગો અને બિમારીઓનો ઝડપથી શિકાર બનતા હોય છે. નાના બાળકોને ઇન્ફેકશનથી થતાં રોગોમાં સૌથી વધુ ઘાતક અને જીવલેણ ન્યુમોનિયા અને ડાયેરીયા હોય છે.
બાળકોમાં ચેસ્ટ ઇન્ફેકશનનું પ્રમાણ પણ સૌથી વધુ જાવા મળતુ હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવારો અને શિયાળાના દિવસોમાં પણ બાળકોને ઇન્ફેકશનના ચાન્સીસ વધી જતા હોય છે, તેથી વાલીઓએ તે અંગે તકેદારી રાખવી જાઇએ. એક વર્ષથી નીચેની વયના બાળકોમાં ડાયેરીયા અને ન્યુમોનિયાનું પ્રમાણ વધુ નોંધાતું હોય છે, જે ઇન્ફેકશનથી થતાં જીવલેણ રોગ છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં બાળકોને ઇન્ફેકશનથી થતા રોગો, તેના નિવારણ, તેમની સારવારમાં એન્ટીબાયોટિકનો યોગ્ય પ્રમાણમાં અને જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ, બાળરોગો સામે હાલના પડકારો, નવી અને અદ્યતન ટેકનોલોજી સાથેની સારવાર, રસીઓ અને દવાઓ સહિતના અનેકવિધ વિષયોને લઇ ચર્ચા વિચારણા અને દેશભરમાંથી આવેલા નિષ્ણાત તબીબોના સલાહ માર્ગદર્શન સાથે વિચારોની આપ-લે કરવામાં આવશે. આજના વર્કશોપમાં બાળકોને એÂન્ટબાયોટિક કેવી રીતે આપવી, રસીઓ અને દવાઓ કેવી રીતે આપવી અને ઇન્ફેકશન કંટ્રોલ કેવી રીતે તે મુદ્દે અગત્યની ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.
તા.૨૭ ઓકટોબર અને તા.૨૮મી ઓકટોબરના રોજ શહેરની વાયએમસીએ કલબ ખાતે વર્કશોપ યોજાશે. જેમાં પણ બાળકોને ઇન્ફેકશનથી થતાં રોગો વિશે અન્ય મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા અને દેશભરમાંથી આવેલા નિષ્ણાત તબીબો, ફેકલ્ટીઝ સહિતના મહાનુભાવો દ્વારા ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી પૂરી પાડવામાં આવશે. એનસીપીઆઇડી-૨૦૧૮ના ઓર્ગેનાઇઝર પ્રમુખ ડો.અભય શાહ અને સેક્રેટરી ડો.ચેતન ત્રિવેદીએ ઉમેર્યું કે, અમદાવાદમાં સૌપ્રથમવાર યોજાયેલી આ નેશનલ કોન્ફરન્સની થીમ માઇક્રોબ્સ ટુ મેનકાઇન્ડ છે એટલે કે, જીવાણુથી માનવ સુધી. જેમાં બગ્સથી લઇ ડ્રગ્સ, ચેપ અટકાવવો અને ઇમ્યુનાઝેશનથી લઇ નિદાન અને મેનેજમેન્ટ મુખ્ય વિષયો છે. આ પ્રસંગે એનસીપીઆઇડીના કન્વીનર ડો.નિશ્ચલ ભટ્ટ, સેક્રેટરી ડો.જે.કે.ગોસાઇ, એઓપી, અમદાવાદના પ્રમુખ ડો.મનીષ મહેતા, સેક્રેટરી ડો.કિરણ શાહ, ડો.રાકેશ શર્મા સહિતના દેશભરમાંથી આવેલા નિષ્ણાત પીડિયાટ્રીશીયન, ફેકલ્ટીઝ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.