પુણે: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી વનડે મેચ પુણે ખાતે રમાનાર છે. ભારતીય ટીમ હાલમાં ૧-૦ની લીડ ધરાવે છે. અલબત્ત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી વનડે મેચ વેસ્ટ ઇન્ડિઝે ટાઇ કરી દેવામાં સફળતા મેળવી હતી. બેટિંગમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ મજબુત દેખાઇ રહી છે. જેથી હવે ત્રીજી મેચમાં ભારતીય ટીમ વધારે શાનદાર દેખાવ કરવા અને સાવધાન રહેવા માટે તૈયાર છે. પુણેમાં રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
ડેનાઇટ મેચનુ બપોરે ૧.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.ગુવાહાટીમાં રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી.જ્યારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે રોમાંચની ચરમસીમા ઉપર પહોંચ્યા બાદ છેલ્લા બોલે ટાઇ પડતા ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. આ મેચ હાઈસ્કોરીંગ રહી હતી. હોપે અણનમ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ અણનમ ૧૫૭ રન બનાવ્યા હતા.
હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો. હાલમાં હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી.વેસ્ટઇન્ડિઝ સામે રમાઇ રહેલી વનડે શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની ગઇકાલે ગુરૂવારના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને બુમરાહની વાપસી થઇ છે. પ્રથમ બે મેચમાં આ બંને રમ્યા ન હતા. વિન્ડીઝની ટીમ ટેસ્ટ મેચમાં બિલકુલ ફ્લોપ રહી હતી પરંતુ વનડે મેચોની શ્રેણીમાં લડત આપી રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રાયડુ, મનિષ પાંડે, ધોની, પંત, જાડેજા, યુજવેન્દ્ર, કુલદીપ, ખલીલ અહેમદ, ભુવનેશ્વર, રાહુલ, જસપ્રિત, ઉમેશ યાદવ.
વિન્ડિઝ ટીમ : હોલ્ડર, એલેન, અમ્બરીશ, બિશુ, હેમરાજ, હેટમાયર, હોપ, જાસેફ, લુઈસ, નર્સ, પોલ, પોવેલ, રોચ, સેમ્યુઅલ, થોમસ.