મુંબઇ : શેરબજારમાં આજે સવારે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૩૫૧૬ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૦૭૪ની સપાટી પર રહ્યો હતો. ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની આજે પૂર્ણાહૂતિ થઇ હતી.
ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, સાઉદી અરેબિયામાં નવેસરના ઘટનાક્રમની અસર પણ જોવા મળી રહી છે. શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભારે અફડાતફડી જાવા મળી રહી છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના ત્રણ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૩૧૯૭૭ કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે.
હાલમાં ચાલી રહેલા ગ્લોબલ ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે મૂડીરોકાણકારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવીને જંગી નાણાં ભારતીય મૂડી માર્કેટમાંથી પાછા ખેંચી રહ્યા છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને અમેરિકામાં નવેસરના ઘટનાક્રમની અસર જાવા મળી રહી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.ગઇકાલે ગુરૂવારે કારોબારના અંતે સેંસેક્સ ૩૪૪ પોઇન્ટ ઘટીને ૩૩૬૯૦ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૦૧૨૫ની નીચી સપાટીએ રહ્યો હતો.