અમદાવાદ: દેશમાં એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત પરની કસ્ટમ ડયુટી ૨.૫ ટકાથી વધારી ૭.૫ ટકા કરવાની કેન્દ્ર સરકારની હિલચાલને પગલે દેશભરમાં એલ્યુમિનિયમ ભંગારને રિસાઇકલ કરીને એલ્યુમિનિયમ એલોયઝ ઇન્ગોટ્સ અને અન્ય વસ્તુઓ બનાવતાં ૩૫૦૦થી વધુ નાના એકમોના અસ્તિત્વ સામે ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે.
જો એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત પરની કસ્ટમ ડયુટી આટલી બધી ઝીંકવામાં આવશે તો, અમદાવાદ, ગુજરાત સહિત દેશભરના એલ્યુમિનિય રિસાઇકલીંગના ૩૫૦૦થી વધુ નાના એકમોને તાળા મારવાનો વારો આવશે અને ત્રણથી ચાર લાખ કામદારો બેરોજગાર બને તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે ત્યારે કેન્દ્ર સરકાર એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત પરની ક્સ્ટમ ડયુટી ઝીરો ટકા નહી કરે તો, નાછૂટકે એલ્યુમિનિયમ ભંગ રિસાઇકલ કરનારા એકમોના સંચાલકોને આંદોલન અને કાનૂની લડત આપવા મજબૂર બનવું પડશે એમ અત્રે ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસીએશન(એનમા)ના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને સેક્રેટરી જયંત જૈને જણાવ્યું હતું. એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની આયાત ડયુટી જા કેન્દ્ર સરકાર વધારશે તો, આ ઉદ્યોગ પડી ભાંગશે એવી દહેશત વ્યકત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ ૨૦૧૩માં એલ્યુમિનિયમ સ્ક્રેપ પર ઝીરો ટકા ડયુટી હતી પરંતુ ત્યારબાદ તે ૨.૫ ટકા લાગુ કરાઇ અને હવે તે ૭.૫ ટકા થવા જઇ રહી છે ત્યારે એલ્યુમિનિયમ રિસાઇકલીંગના નાના એકમો ખતમ થઇ જશે.
જા કસ્ટમ ડયુટી ૭.૫ ટકા સુધી વધશે તો, ભારત સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ આવરી લીધેલા સીંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ જેવા દેશોમાંથી ફિનિશ્ડ ગુડ્ઝની આયાતમાં વધારો થશે અને તેને પગલે સ્થાનિક સ્તરના નાના ઉત્પાદકોના એકમોને તાળા વાગી જશે. કેન્દ્ર સરકાર દ્વારા આવો વિવાદીત નિર્ણય દેશના બે-ત્રણ મોટા ઔદ્યોગિક ગૃહો હિન્દાલ્કો, નાલ્કો અને વેદાન્તાને બચાવવા અને છાવરવાના ભાગરૂપે લેવાઇ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરતાં ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ અને સેક્રેટરી જયંત જૈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં એલ્યુમિુનિયમ ભંગાર રિસાઇકલ કરનારા અંદાજે ૩૫૦થી વધુ એકમો છે અને ભારતમાં આશરે ૩૫૦૦થી વધુ એકમો આવેલા છે. જા આ એકમો બંધ થશે તો, લગભગ ત્રણથી ચાર લાખ કામદારોને નોકરી-રોજગારી ગુમાવવાનો વારો આવશે. દેશના આ બે મોટા ઉદ્યોગગૃહો દ્વારા કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરી ખોટી બૂમરાણ મચાવાઇ રહી છે કે, એલ્યુમિનિયમ સ્ક્રેપ-ભંગારની આયાત વધી રહી હોવાથી તેમના ધંધા પર અવળી અસર પડી રહી છે પરંતુ એલ્યુમિનિયમ સ્ક્રેપ અને પ્રાઇમરી એલ્યુમિનિયમનું માર્કેટ જ અલગ છે. પ્રાઇમરી(વર્જિન) એલ્યુમિનિયમનું ઉત્પાદન કરનારાઓને તેમનો નફો વધારવો હોવાથી નાના એકમોને ખતમ કરવાના ષડયંત્રના ભાગરૂપે આવું તરકટ રચી રહ્યા છે.
રિસાઇકલ એલ્યુમિનિયમની ગુણવત્તાને લઇ ઉઠાવેલા સવાલો અંગે તેમણે જણાવ્યું કે, તેમના ઉત્પાદનો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના છે અને મારૂતિ, હોન્ડા, હીરો અને ટોયેડા જેવી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ ખરીદે છે. એસોસીએશનના ફાઉન્ડર પ્રમુખ ડો.કિશોર રાજપુરોહિતે જણાવ્યું હતું કે, વાસ્તવમાં, દેશમાં ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રીકલ એન્ડ એન્જિનીયરીંગ અને સ્ટીલ સેક્ટરના સારા પરફોર્મન્સને લઇ એલ્યુમિનિયમ સ્ક્રેપની ડિમાન્ડ વધી છે. આ સંજાગોમાં ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરની અસર હેઠળ આ આયાત વધી હોવાનું સ્ટેટમેન્ટ ખોટું છે. એલોય્ઝ ઇન્ગોટ અને પ્રાઇમરી એલ્યુમિનિયમ વચ્ચે કોઇ સ્પર્ધા જ નથી. કેન્દ્ર સરકારને આ મામલે છેક પીએમઓ સુધી ઉગ્ર અને અસરકારક રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઇ જ પરિણામ આવ્યું નથી, તેથી નાછૂટકે આગામી દિવસોમાં અમારે આંદોલન અને કાનૂની લડતનો સહારો લેવા મજબૂર બનવું પડશે.