અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ દિવસ ને દિવસે વઘી રહ્યું છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવા છતાંય તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ આપે છે. તસ્કરોની હિંમત એ હદે વધી ગઇ છે કે હવે તે એટીએમ તોડીને ચોરી નથી કરતા, પરંતુ આખેઆખા એટીએમની ચોરી કરે છે. મોડી રાતે નારોલ-લાંભા રોડ પર આવેલ ઇન્દિરાનગરમાં તસ્કરોએ લાખો રૂપિયાની રોક્ડથી ભરેલ આખેઆખું એટીએમ ઉઠાવીને લઇ ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો બીજીબાજુ, જે બેંકનું એટીએમ તસ્કરો ઉઠાવી ગયા, તે કેનેરા બેંકના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. નારોલ પોલીસે આ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નારોલ-લાંભા રોડ પરના ઇન્દિરાનગરમાં કેનેરા બેંકનું એટીએમ આવેલું છે. આજે વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા રૂમમાંથી એટીએમ ગાયબ હોવાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મોડી રાતે બે તસ્કરો એટીએમ લઇને જતા રહ્યા છે. સિક્યોરિટી ગાર્ડ વગરના એટીએમમાં તસ્કરો ઘૂસ્યા હતા, તસ્કરોએ પહેલાં એટીએમ રૂમમાં જઇને સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધું હતું, જેથી કોઇ તસ્કરોનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ ના થાય. ત્યારબાદ ડીવીઆર મશીન પણ તોડી નાખ્યું હતું અને પછી રૂપિયાથી ભરેલું એટીએમ લઇને નાસી ગયા હતા.
નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવે જણાવ્યું હતું કે એટીએમ ચોરી થવાની ઘટના અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં બની છે. ચોરીની સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, પરંતુ ચોરી કયા પોલીસ સ્ટેશનની હદમાં થઇ છે તે હજુ સુધી નક્કી થયું છે. આ ઘટનામાં એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. એટીએમમાં કેટલા રૂપિયા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર એટીએમમાં લાખો રૂપિયા હતા. પોલીસે આરોપી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.