અમદાવાદ: ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડિયા ખાતે નિર્માણ પામેલ પ્રતિમાનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૧મી ઓકટોબરે લોકાર્પણ કરશે. આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન ધામ બની રહેશે ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા અને ટ્રાફિકના સુચારુ નિયમન માટે કેવડિયા ખાતે નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે. સાથેસાથે કેવડિયા ખાતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સંપન્ન બને તે માટે કેવડિયા પોલીસ સ્ટેશનની પીએસઆઈની જગ્યા પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ રાજયમંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિકસમા આ પ્રોજેક્ટ લોકાર્પણના કાર્યક્રમમાં તથા સરદાર સરોવર ડેમ, સૂચિત વેલી ઓફ ફ્લાવરની મુલાકાતે દેશ વિદેશથી મહાનુભાવો, વીઆઈપી, વીવીઆઈપી લોકો સહિત મોટી સંખ્યામાં જન મેદની આવનાર છે તેમજ આવનારા દિવસોમાં ૧૫ હજાર જેટલાં પ્રવાસીઓ પ્રતિ દિન આ સ્મારકની મુલાકાતે આવવાની સંભાવના હોઈ, આ મહત્વનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. તેમણે ઉમેર્યું કે, નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ૮૫ જગાઓ મંજૂર કરાઈ છે.
તેમાં એક બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર, બે બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, ૧૦ બિન હથિયારી એએસઆઈ, ૧૫ બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ, ૩૯ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩ હથિયારી એએસઆઈ, ૧૫ હથિયારી કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. વિશાળ જનમેદની આવવાની સંભાવનાને ધ્યાને લઈ ટ્રાફિક નિયમન હેતુસર ૪૬ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ માટેનું માળખુ રાજય સરકાર દ્વારા નવું મંજૂર કરાયું છે. જાડેજાએ કહ્યું કે, રાજયમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સંગીન બનાવવા માટે વિવિધ સંવર્ગની ૧૧૨૯ નવી જગાઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે કેવડિયા ખાતે પોલીસ સ્ટેશનની પોલીસ સબ ઈન્સ્પેકટરની જગા પોલીસ ઈન્સ્પેકટરમાં અપગ્રેડ કરવામાં આવશે જેના થકી કેવડિયા ખાતે પ્રવાસીઓના ધસારા સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.