નવી દિલ્હી : દેશભરમાં મી ટુને લઇને મચી ગયેલા ધમસાણ બાદ કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી હાથ ધરીને તપાસ હાથ ધરી છે. નરેન્દ્ર મોદી સરકારે આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર (જીઓએમ)ની રચના કરી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં આ જીઓએમ કામ કરશે. ગ્રુપથી નોકરીના સ્થળ ઉપર શોષણને રોકવા માટે મજબૂત લીગલ અને ઇન્સ્ટીટ્યુશન ફ્રેમવર્ક તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, પરિવહન મંત્રી નીતિન ગડકરી, મહિલા અને બાળ વિકાસપ્રધાન મેનકા ગાંધીને સામેલ કરવામાં આવ્યા છે.
વર્તમાન નિયમોને વધુ પ્રભાવી બનાવવા માટે પણ કયા ફેરફાર કરવામાં આવે તે અંગે સૂચન કરવા કહેવામાં આવ્યું છે. નોકરીના સ્થળ ઉપર મહિલાઓના શોષણને રોકવા માટે વધુ પગલા લઈ શકાય તે માટે ભલામણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલાને ગંભીરતાથી હાથ ધરીને આની સાથે સંબંધિત મામલાઓ ઉપર મોટાપાયે ઉકેલ લાવવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરવામાં આવી છે.
ગૃહમંત્રાલયનું કહેવું છે કે, સરકાર નોકરીના સ્થળ ઉપર મહિલાઓ માટે સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક ઇલેક્ટ્રોનિક ફરિયાદ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે જેના મારફતે મહિલાઓ નોકરીના સ્થળ ઉપર થનાર જાતિય સતામણીના નામનો અવાજ ઉઠાવી શકશે. થોડાક દિવસ પહેલા જ કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીએ આ સંબંધમાં તપાસ માટે કમિટિ બનાવવા માટે વાત કરી હતી અને હવે કમિટિની રચના કરવામાં આવી ચુકી છે. રાજનાથસિંહ દ્વારા આ સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં આ કમિટિ તપાસ કરીને યોગ્ય ભલામણ કરશે.