નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ૨૦૧૪માં ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવીને સત્તામાં પ્રચંડ બહુમતિ સાથે એન્ટ્રી કરી હતી. ભ્રષ્ટાચારના જે મુદ્દાને લોકોની વચ્ચે ઉઠાવીને ભાજપ દ્વારા યુપીએ સરકાર સામે પ્રહારો કર્યા હતા તે પૈકી મોટા ભાગના મામલા હજુ તપાસના અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતીમાં સબીઆઇમાં ચાલી રહેલી આંતરિક લડાઇના કારણે આવા કેસોની તપાસ પર માઠી અસર થઇ શકે છે. બીજી બાજુ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને રાકેશ અસ્થાનના નામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાની તક મળી ગઇ છે.
બિહારમાં તેજસ્વી યાદવે તો લાલુ પ્રસાદની જેલની સજાને કાવતરા તરીકે ગણાવીને ટિકા કરી છે. લાલુ પ્રસાદ સાથે જાડાયેલા મામલામાં તપાસ અસ્થાના દ્વારા જ કરવામાં આવી હતી. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ સીબીઆઇમાં જારી જંગ વચ્ચે મોદી પર પ્રહારો કર્યા છે. દરમિયાન સોશિયલ મિડિયામાં રાકેશ અસ્થાના સાથે સંબંધિત એક વિડિયો વાયરલ થયા બાદ તેની ચર્ચા પણ જોવા મળી રહી છે. જેમાં ગુજરાત કેડરના આ આઇપીએસ અધિકારીને સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચન્દ્ર બોસ સાથે ખુબ પ્રભાવિત તરીકે ગણાવીને તેમની પ્રશંસા પણ કરવામાં આવી છે. તેમને એક ઇમાનદાર પોલીસ અધિકારી તરીકે જણાવવામાં આવ્યા છે.
સોશિયલ મિડિયા પર અસ્થાનાના સમર્થન અને વિરોધમાં ખુબ ચર્ચા ચાલી રહી છે. સીબઆઇ મામલામાં પરેશાનીનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર આ વિવાદને વહેલી તકે ઉકેલી દેવા માટે ઉત્સુક છે. સરકાર ઇડીમાં પણ ટુંક સમયમાં જ નવા ડિરેક્ટરની નિમણૂંક કરી શકે છે. ઇડીમાં અધિકારીઓ વચ્ચે જોરદાર ખેંચતાણ થઇ હતી. જેના કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. કોંગ્રેસ પાર્ટીએ મોદીની દરમિયાનગીરીની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.