નવી દિલ્હી : સીબીઆઈની અંદર ચાલી રહેલી આંતરિક લડાઈનો મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે. સીબીઆઈના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવેન્દ્રકુમારને સાત દિવસ માટે કસ્ટડીમાં લેવાનો આદેશ કરાયો છે. આની સાથે જ તેમની મુશ્કેલીઓમાં હવે વધારો થઇ રહ્યો છે. ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ સીબીઆઈમાં પણ ખળભળાટ મચી ગયો છે. રાકેશ અસ્થાનાને આવરી લેતા લાંચ કેસમાં તેમની ધરપકડ કરાયા બાદ દિલ્હી કોર્ટે કસ્ટડીમાં મોકલી દીધા છે જ્યાં તેમની પુછપરછ થશે. કુમારે અગાઉ મીટ કારોબારી મોઇન કુરેશીને આવરી લેતા કેસમાં તપાસ ચલાવી હતી. બિઝનેસમેન સતીષ સાનાના નિવેદનની નોંધણીમાં ફોરજરીના આરોપસર તેની ધરપકડ કરાઈ હતી.
અત્રે નોંધનીય છે કે, સીબીઆઈએ ડીએસપી દેવેન્દ્રકુમારની ગઇકાલે ધરપકડ કરી લીધી હતી. અધિકારીઓએ કહ્યું છે કે સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે લાંચ રૂશ્વતના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ ભ્રષ્ટાચાર મામલામાં ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવતા આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.
રવિવારના દિવસે તપાસ સંસ્થાએ પોતાના બે નંબરના અધિકારી સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે એફઆઈઆર દાખલ કરી હતી. સીબીઆઈએ અસ્થાનાની સાથે પોતાની એસઆઈટીના ડેપ્યુટી એસપી ઉપરાંત કેટલાકની સામે ભ્રષ્ટાચારની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો. અસ્થાના જ કુરેશ સામે તપાસની જવાબદારી સંભાળી રહ્યા હતા. દેવેન્દ્રકુમારની પુછપરછમાં નવી વિગતો ખુલે તેવા સંકેત છે.