નવી દિલ્હી: સીબીઆઇમાં નંબર બે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર ત્રણ કરોડની લાંચ લેવાના આરોપમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ પહેલા અસ્થાનાએ સેન્ટરલ વિજિલન્સ કમીશનને પત્ર લખીને સીબીઆઇ ડાયરેક્ટર પર તેમને ફસાવવાનો આરોપ કર્યો હતો. પત્રમાં લખવામાં આવ્યુ છે કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માએ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં દાખલ કરવામાં આવેલા કેસમાં તેમને ફસાવવા માટે જાણી જાઇને એવા અધિકારીની વરણી કરી છે જેમની છાપ બેદાગ નથી. સીબીઆઇના વડા તેમને ફસાવી રહ્યા છે.
જાણીતા મીટ કારોબારી મોઇન કુરેશીના કેસનો બંધ કરાવવાના બદલામાં સીબીઆઇના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ બે કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં સીબીઆઇ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દેશની ઇન્ટેલિજેન્સ એજન્સી રોના સ્પેશ્યલ ડાયરેક્ટર સમંશ્કુમાર ગોયલનું નામ પણ સામેલ છે. એવીડેન્સ એકટની કલમ-૧૬૪ પ્રમાણે સીબીઆઇએ મેજિસ્ટ્રેટ સમક્ષ ટેલિફોનિક વાતચીત, વોટ્સએપ મેસેજ, મની ટ્રેલ અને સ્ટેટમેન્ટ રજૂ કર્યા છે. આ ફરિયાદ બાદ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્ન સાથે સંકળાયેલા સમરજીતસિંહ ગાયકવાડ, પિયુષ શાહ સહિતના ૧૬ બિઝનેસમેનની પૂછપરછ માટે સીબીઆઇની ટીમ વડોદરા આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્નમાં કોણ કોણ મહેમાન હતા, કેટલો ખર્ચ થયો સહિતની વિગતો સીબીઆઇની ટીમે મેળવી હોવાની માહિતી મળી રહી છે. ચર્ચિત માંસનો વેપારી મોઇન કુરેશી હવાલા દ્વારા દુબઇ, લંડન અને યુરોપના અન્ય શહેરોમાં પૈસા મોકલવાનો આરોપ છે. ઇડીએ દરોડા દરમ્યાન કેટલાક દાગીના અને લેવડ-દેવડના શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.
આ આધારે ઇડીએ સંબંધિત ટ્રાન્ઝેક્શનની વિસ્તૃત માહિતી અનેક અન્ય દેશો પાસે માંગી હતી. કુરેશી પર હવાલા દ્વારા રૂ. ૨૦૦ કરોડ વિદેશમાં મોકલવાનો આરોપ છે. કુરેશી ૨૦૧૧થી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર હતો. પરંતુ તેના વિરૂદ્ઘ પહેલી વખત ૨૦૧૪મા કાર્યવાહી કરાઇ હતી. મૂળ કાનપુરનો રહેવાસી મોઇન કુરેશી મીટ કારોબાર દ્વારા અબજોપતિ બન્યો. રાજકારણમાં તેની સારી એવી પકડ છે. યુપીના રામપુરમાં તેણે શરૂઆતમાં એક નાનુ કતલખાનુ ખોલ્યું અને થોડા જ સમયમાં તે દેશનો સૌથી મોટો માંસનો કારોબારી બની ગયો હતો. કુરેશીની દેશ-વિદેશમાં અનેક કંપનીઓ છે. તેની એએમક્યુ નામની કંપની માંસની નિકાસ કરે છે. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના આજથી એક વર્ષ પહેલા જ સીબીઆઇના સ્પેશ્યલ ડિરેક્ટર તરીકે નીમાયા હતા. પત્રમાં અસ્થાનાએ આરોપ મુક્યો છે કે તપાસ ટીમમાં અજય બસ્સીને કાવતરા હેઠળ નિમવામાં આવેલા છે. પત્રમાં બસ્સીના સંબંધમાં કહેવામાં આવ્યુ છે કે તેમની છાપ શંકાસ્પદ રહેલી છે.