શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ અથડામણમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્રાસવાદીઓ પાસેથી અતિઆધુનિક એકે ૨૦૧ રાયફલો, ચીની પિસ્તોલ અને અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા સવારમાં અન્ય ત્રાસવાદીઓને પણ એલઓસી નજીક ઠાર મારી દેવામાં આવ્યા હતા જેથી આજે શુક્રવારના દિવસે કુલ પાંચ ત્રસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં શુક્રવારના દિવસે ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં ત્રાસવાદીઓની પાસેથી વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જમ્મુ કાશ્મીરના ડીજીપીએ માહિતી આપતા કહ્યું હતું કે, પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ત્રાસવાદીઓની ગતિવિધિને નિહાળવામાં આવી હતી તે ગાળામાં આ બંને શખ્સો પાસેથી આઈડી કાર્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ એક શખ્સે સીઆરપીએફ ઉપર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક ત્રાસવાદીને ત્યાં જ ઠાર કરી દેવામાં આવ્યો હતો. બીજાએ ફરાર થવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેને પણ ઠાર કરી દેવાયો હતો.
ત્રાસવાદીઓ ઘુસણખોરીના મોટા પ્રયાસમાં દેખાઈ રહ્યા છે જેથી સેના હાલ એલર્ટ ઉપર છે. ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે આર્મી, પોલીસ, સીઆરપીએફ સહિત તમામ સુરક્ષા દળોને એલર્ટ રાખવામાં આવ્યા છે. બારામુલ્લા જિલ્લામાં શુક્રવારે સવારે સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની પાસેથી ચાર એકે ૪૭ રાયફલો અને અન્ય હથિયારો મળ્યા હતા. બારામુલ્લામાં બોનીયારમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી અંગે બાતમી મળી હતી. કાશ્મીર ખીણમાં હજુ પણ ૩૦૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. આશરે ૨૫૦ ત્રાસવાદી લોંચપેડ પર ઘુસણખોરીની ફિરાકમાં છે.