૫૦ કરોડથી વધારે મોબાઇલ કનેક્શન એટલે કે દેશભરમાં ફોનનો ઉપયોગ કરનાર આશરે અડધા યુઝર્સને કેવાયસી સાથે સંબંધિત નવી સમસ્યા આવી શકે છે. આધાર વેરિફિકેશનના આધાર પર જારી કરવામાં આવેલા સિમ કાર્ડ જા નવા વેરિફિકેશનમાં ફેલ થાય છે તો આ સિમ કાર્ડને ડિસ્કનેક્ટ કરવામાં આવી શકે છે. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં ચુકાદો આપ્યો હતો કે પ્રાઇવેટ કંપનીઓ વેરિફિકેશન માટે યુનિક આઇડી આધારનો ઉપયોગ કરી શકે નહીં. ફોન કનેક્શન અથવા તો બેંક ખાતાને હવે આધાર સાથે લિન્ક કરવાની કોઇ જરૂર નથી. પ્રાઇવેટ કંપનીઓ યુઝર્સ પાસેથી આની માંગ પણ કરી શકે નહીં. આ મુદ્દા પર સરકારાં ઉચ્ચ સ્તર પર વિચારણા ચાલી રહી છે. કારણ કે જા મોટી સંખ્યામાં મોબાઇલ નંબરને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે તો નાગરિકો પર તેની માઠી અસર થઇ શકે છે.
અધિકારીઓ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે સરકાર નવી કેવાયસી કરાવવા માટે યુઝર્સને પુરતો સમય આપવા માટે ઇચ્છુક છે. ટેલિકોમ વિભાગની પણ આ મુદ્દા પર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર આ મુદ્દા પર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. આ મામલે વહેલી તકે કોઇ વિકલ્પ શોધી કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે સરકાર આ બાબતની ખાતરી કરવા માટે તૈયાર છે કે ગ્રાહકોને ટ્રાંજેક્શન દરમિયાન કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે. ગ્રાહકોને ખુબ ઓછી પરેશાની રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. આધાર નંબર વેરિફિકેશન આધારિત મોટા ભાગના ોબાઇલ કનેક્શન રિલાયન્સ જીયો દ્વારા જારી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૬માં મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરનાર ટેલિકોમ કંપનીઓએ માત્ર બાયોમેટ્રિક તરીકાથી ગ્રાહકોને સિમ કાર્ડ જારી કર્યા હતા.
જિયો ઉપરાંત બીજી કંપનીઓ જેમ કે ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા તેમજ અન્યો દ્વારા પણ કેટલાક સિમકાર્ડ આ રીતે જાર કરવામાં આવ્યા હતા. હવે કેટલીક સમસ્યા આવી શકે છે. લાખો ગ્રાહકો એવા પણ છે જે વેરિફિકેશન માત્ર ડિજિટલ આધાર પર કરાવી શક્યા છે. એવું પણ બની શકે છે કે, કંપનીઓ દ્વારા ગ્રાહકોના ફોન નંબરને આધારથી લિંક કરવામાં આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓ દ્વારા પ્રિઆધાર કેવાયસી પેપર પણ નષ્ટ કરી દીધા હોય. ગયા વર્ષે માર્ચ મહિનામાં સરકારે ડિજિટલ આધાર લિંકિંગ બાદ ટેલિકોમ કંપનીઓને જુના દસ્તાવેજાને નષ્ટ કરવા માટેની મંજુરી આપી હતી. મોબાઇલ કંપનીએ આ મુદ્દા ઉપર ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પાસેથી દિશાનિર્દેશનો ઇંતજાર કરી રહી છે.
એક અગ્રણી મોબાઇલ કંપનીના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, તેઓ ગ્રાહકોની વેરિફિકેશનની પ્રક્રિયા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સાથે મળીને કામ કરી રહ્યા છે પરંતુ એકાએક આધાર નંબર પર આધારિત ઇ-કેવાયસી પ્રક્રિયાને બંધ કરવાથી થનાર ખર્ચ વધવાની શક્યતા છે. ગ્રાહકોને કેવાયસી પ્રક્રિયા માટે પૂર્ણરીતે નવી આઇડેન્ટીફિકેશન દસ્તાવેજની પ્રક્રિયા કરવાની ફરજ પડી શકે છે. ગ્રાહકોને પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, વિજળી બિલ, ગેસ બિલ અથવા તો પેનકાર્ડની કોપી જમા કરવી પડી શકે છે. ટેલિકોમ વિભાગ દ્વારા કંપનીઓને આ મામલામાં ટૂંક સમયમાં જ નવો આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ આધાર પર આધારિત વેરિફિકેશન પ્રક્રિયાને પૂર્ણરીતે ખતમ કરવામાં આવે છે તો ઇ-કેવાયસી પ્રક્રિયાને લાગૂ કરવામાં થયેલા ખર્ચની રકમનો પણ બગાડ થશે.