પુણે : ડુંગળીની કિંમતોમાં ફરી એકવાર વધારો શરૂ થઇ ગયો છે. મહારાષ્ટ્રના લાસલગાવ મંડીમાં હોલસેલ ડુંગળીની કિંમત છેલ્લા દિવસોમાં ૫૦ ટકા સુધી વધી ગઇ છે. વેપારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં દુકાળની સ્થિતીના કારણે આ વખતે ડુંગળીનુ ઉત્પાદન ઓછુ રહેનાર છે. લાસગાવ એશિયાની સૌથી મોટી ડુંગળી મંડી છે.
દિવાળીના પ્રસંગે હોલસેલ માર્કેટ બંધ રહેશે. જેથી ડુંગળીની કિંમત વધીને ૪૦થી ૪૫ રૂપિયા સુધી પહોંચી શકે છે. દેશભરમાં ડુંગળીની કિંમતો લાસગાંવમાં એપીએમસીની દ્રષ્ટિએ નક્કી કરવામાં આવે છે. ગયા શુક્રવારે ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત ૧૨ રૂપિયા પ્રતિ કિલો હતી.
જે વધીને હવે ૧૮ રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં ડુંગળીની કિંમત ૧૫થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો થયેલી છે. વેપારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે લાંબા સમય સુઘી વરસાદ ન થવાના કારણે તેમજ ગરમી વધવાના કારણે ડુંગળીના ખરિફ પાકમાં ઘટાડો થઇ શકે છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ડુંગળીની કિંમતો ફરી એકવાર રડાવી શકે છે. સામાન્ય લોકોના બજેટને બગાડી શકે છે.