માં શકિતની આરાધનામાં આઠમનું વિશેષ અને અનોખુ મહાત્મ્ય હોઇ આ દિવસે માતાજીની ખાસ પૂજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ, જાપ દ્વારા ચમત્કારિક કૃપા પ્રાપ્ત કરી શકાય છે. દેવી ભાગવત અનુસાર, આઠમના હોમ હવન અને યજ્ઞનો જબરદસ્ત મહિમા છે. શાસ્ત્ર મુજબ, ખુદ ભગવાન શ્રીરામચંદ્રજીએ આઠમના દિવસે વિશેષ હોમ-હવન કરી માતાજીને પ્રસન્ન કરી તેમની કૃપા-આશીર્વાદ મેળવ્યા હતા.
જે શ્રધ્ધાળુ ભકતો નવરાત્રિ દરમ્યાન નવ નવ દિવસ પૂજા, ભકિત, તપ, જાપ, ઉપવાસ કે હોમ-હવન ના કરી શકયા હોય તેઓ પણ જો માત્ર આઠમની પૂજા અને ઉપવાસ કરે તો, તેમને માતાજીની અનન્ય કૃપા અને અલૌકિક સિધ્ધ પ્રાપ્ત થાય છે. નવદુર્ગા સ્વરૂપમાં મહાગૌરી પૂજાનો પણ અનોખો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે.
આ એ જ ગૌરી છે કે જેમણે ખૂબ આકરી તપશ્ચર્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમને પામ્યા હતા. આકરી તપશ્ચર્યાના લીધે તેમનો દેહવર્ણ શ્યામ પડી ગયો ત્યારે ભોળાનાથે અમૃત જળના છંટકાવ કરતા માતાજીનું રૂપ અદ્ભુત પ્રકારે નીખર્યું હતું. અત્યંત તેજસ્વી અને ગૌરવર્ણ પ્રાપ્ત થવાના કારણે તેઓ મહાગૌરી સ્વરૂપે પૂજાયા. મહાગૌરીની પૂજાથી અલૌકિક સિધ્ધની પ્રાપ્તિ થતી હોવાથી તે સિધ્ધદાત્રી પણ કહેવાય છે.