રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની કોર્પોરેશન તેમજ નગરપાલિકાઓમાં બિલ્ડિંગ પ્લાનની મંજૂરીમાં ભ્રષ્ટાચારને દૂર કરવા તેમજ વહીવટને વધુ પારદર્શક કરવા ગત તા.૧ મેથી ફરજિયાત ઓનલાઈન સિસ્ટમ અમલમાં મુકાઇ છે. જા કે, બિલ્ડિંગ પ્લાનમાં ઓનલાઈન સિસ્ટમને ફરજિયાત કરવાથી ખાસ કરીને શહેરમાં કૂદકે અને ભૂસકે વધતા જતા બહુમાળી બિલ્ડિંગોની સ્કીમ આધારિત વર્ટિકલ ડેવલપમેન્ટને માઠી અસર પહોંચી છે.
એટલું જ નહી, અમ્યુકો તંત્રને ઓનલાઇન સીસ્ટમના ધાંધિયાના કારણે આશરે રૂ.૪૦૦ કરોડની આવક પણ ગુમાવવાનો વારો આવ્યો છે. જા અગાઉની ઓફલાઇન સિસ્ટમ ચાલુ હોત તો આટલા જ સમયગાળામાં તંત્રને ૭૦૦થી વધારે પ્લાનની મંજૂરીથી અંદાજે રૂ. ૪૦૦ કરોડની આવક થઇ હોત તેવો દાવો પણ અમ્યુકો સૂત્રોએ કર્યો હતો. આશરે ૪૬૬ ચો. કિ.મી.માં ફેલાયેલું અમદાવાદ ડેવલપમેન્ટની દૃષ્ટિએ કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો હેરિટેજ દૃષ્ટિથી તેમજ કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળના સ્માર્ટ સિટી અમદાવાદને વધુ ને વધુ સ્માર્ટ બનાવવા નવા ટીપી વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા તેમજ સ્ટ્રીટલાઈટની સારી સુવિધા પૂરી પાડવા પર ભાર મૂકી રહ્યા હોઈ બાંધકામ ઉદ્યોગને પણ ગતિ મળી છે. બાંધકામ ઉદ્યોગની વર્ટિકલ સ્કીમ(બહુમાળી ઇમારતોની સ્કીમ)ને પહેલાંની ઓફલાઈન સિસ્ટમના કારણે તંત્રની મંજૂરીમાં ખાસ વિલંબ થતો ન હતો, પરંતુ જાણકાર સૂત્રોનું કહેવું છે કે, તા. ૧ મે, ૨૦૧૮ના ગુજરાત સ્થાપના દિવસથી બિલ્ડિંગ પ્લાનમાં ઓનલાઈન સિસ્ટમને ફરજિયાત કરાતાં શહેરના વર્ટિકલ ડેવલપમેન્ટને એક અથવા બીજા કારણસર માઠી અસર પડી છે.
રાજ્ય સરકારે બિલ્ડિંગ પ્લાનની મંજૂરીમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને દૂર કરવા ઓનલાઈન સિસ્ટમને અમલમાં મૂકી, પરંતુ જે તે પ્લાનને ઓનલાઈન ઈન્વર્ડ કરાવવાના મામલે સોફ્ટવેરમાં ખામી સર્જાતાં તેની મંજૂરીનું પ્રમાણ સાવ ઘટ્યું છે. આધારભૂત વર્તુળોના મતે, ઓનલાઈન સિસ્ટમ હેઠળ ગત તા. ૧મેથી ગત તા. ૫ ઓક્ટોબર સુધીના પાંચ મહિનામાં માત્ર ૧૩૫ બિલ્ડિંગ પ્લાનની રજાચિઠ્ઠીને મંજૂર કરાઈ છે, જેમાં બંગલા કે ટેનામેન્ટના પ્લાનને લગતી ૭૧ રજાચિઠ્ઠી છે, જોકે આમાં નવા બંગલા કે ટેનામેન્ટની સ્કીમની સંખ્યા સાવ નહિવત્ છે. ખાસ કરીને બોપલ-શીલજ જેવા રિંગરોડની આસપાસના વિસ્તારમાં બંગલાવાળી સ્કીમ ચાલે છે જ્યારે ૨૫ મીટરથી વધુ ઊંચાઈના માત્ર ચાર પ્લાનને લીલીઝંડી અપાઈ છે.
તંત્રને આ પાંચ મહિનાના સમયગાળામાં આવક પણ ફક્ત રૂ. ૮.૪૦ કરોડ થઈ છે. શહેરના વસ્ત્રાલ, નિકોલ, રાણીપ, ગોતા, મણિનગર, મકરબા અને નરોડા બાજુના હંસપુરા-મૂઠિયાના નવા વિસ્તારમાં તેમજ બોડકદેવ અને થલતેજમાં ગગનચુંબી ઈમારતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો અગાઉથી ઓફલાઈન સિસ્ટમ ચાલુ હોત તો આટલા જ સમયગાળામાં તંત્રને ૭૦૦થી વધારે પ્લાનની મંજૂરીથી અંદાજે રૂ. ૪૦૦ કરોડની આવક થાત તેવો દાવો પણ આધારભૂત વર્તુળોએ કર્યો છે. બીજા અર્થમાં તંત્રને રૂ. ૩૯૦ કરોડની આવક ગુમાવી પડી છે. મેમનગર સ્થિત મ્યુનિસિપલ કચેરીમાં બાંધકામને લગતા પ્લાનને સ્વીકારવાની એટલે કે ઓફલાઈન બિલ્ડિંગ પ્લાનની છેવટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં છૂટ અપાઈ છે અને ત્રણ મહિના માટે અપાયેલી આ છૂટથી દિવાળાની તહેવારોમાં બાંધકામ ઉદ્યોગમા તેજી આવવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.