મુંબઈ : નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો વિવાદ હવે દિનપ્રતિદિન વધુને વધુ ગંભીર બની રહ્યો છે. તાજેતરમાં જ તનુશ્રી દત્તાએ જાતિય સતામણીના આરોપ કરીને નાનાની સામે રિપોર્ટ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ નાના પાટેકરે પણ તનુશ્રી દત્તાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી. આ મામલામાં તનુશ્રીના વકીલ આજે મુંબઈમાં ઓશિવરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા જ્યાં જાતિય સતામણીના કેસના સંદર્ભમાં નાના પાટેકર, ગણેશ આચાર્ય, સિદ્દીકી અને રાકેશ સારંગના નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ અને લાઇવ ડિટેક્ટર ટેસ્ટની માંગ કરવામાં આવી હતી.
અભિનેતા નાના પાટેકર પર તનુશ્રી દત્તાના જાતિય સતામણીના આરોપોથી તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આના કારણે દેશભરમાં હાલમાં મી ટુ ચળવળ ચાલી રહી છે. એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, આ લડાઈ હજુ આગળ વધી શકે છે. તનુશ્રી દત્તાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન પણ નોંધાવી દીધું છે. તનુએ ફરિયાદમાં નાનાની સાથે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનું નામ પણ નોંધાવ્યું હતું. શુટિંગ દરમિયાન અયોગ્ય વર્તન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તનુએ આક્ષેપ કરતા કહ્યું છે કે, વર્ષ ૨૦૦૮માં રજૂ થયેલી ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ માટે આઈટમ નંબરના શૂટિંગ વખતે નાનાએ ખરાબ વર્તન કર્યું હતું.