એએમયુ વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અલીગઢ :  એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉત્તરપ્રદેશ પોલીસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બે રિસર્ચ સ્કોલર અને કેટલાક વણઓળખાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હકીકતમાં ગઇકો શુક્રવારના દિવસે સોશિયલ મિડિયા પર વિદ્યાર્થીઓનો એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વતંત્રતા માટેના નારા લગાવવામાં આવી રહ્યા હતા. એમ કહેવામાં આવે  છે આનારા કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ઠાર થયેલા હિજબુલ લીડર મન્નાન વાની માટે લગાવવામાં આવ્યા હતા. મન્નાન એએમયુમાં રિસર્ચ સ્કોલર તરીકે હતો.

તે અધવચ્ચે અભ્યાસ છોડીને ત્રાસવાદી બની ગયો હતો. ૧૩ સેકન્ડના આ વિડિયોનુ શુટિંગ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યુ હોવાના હેવાલને પણ સમર્થન મળી ચુક્યુ છે. આ વિડિયોમાં મન્નાનના સમર્થનમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્વતંત્રતાના નારા લગાવતા નજરે પડે છે. આ વર્ષની શરૂઆતમાં તે ત્રાસવાદી સંગઠન હિજબુલમાં જાડાયો હતો. એસએસપી અજય કુમાર સાહનીએ કહ્યુ છે કે મેડિકલ ચોકી ઇન્ચાર્જ ઇસરાર દ્વારા એએમયુમાંથી બાયોકેમિસ્ટ્રીમાંથી પીએચડી કરી રહેલા વસીમ અયુબ મલિક અને ઇતિહાસના વિદ્યાર્થી અબ્દુલ હસીદ મીર ઉપરાંત અન્યોની સામે આઇપીસીની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓની ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ કઠોર કાર્યવાહી કરીને પહેલાથી જ ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે સાથે નવ વિદ્યાર્થીઓ સામે નોટીસ જારી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ મન્નાનના જનાજાની નમાજ અદા કરવાના પ્રયાસો કરી રહ્યા હતા.મન્નાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ હેવાલ મળ્યા પછી યુનિવર્સિટીના ૧૫ વિદ્યાર્થીઓ કેનેડી હોલમાં મળ્યા હતા અને નમાજ અદા કરવાની શરૂઆત કરી હતી.

Share This Article