મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં સાબરકાંઠામાં માસૂમ બાળકી પર અને સુરતમાં બે નાની બાળાઓ પર થયેલા દુષ્કર્મ બળાત્કાર કેસના આરોપીઓને સખ્ત સજા થાય અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ ત્રણેય કેસની ઝડપી ટ્રાયલ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંક કરી દેવામાં આવી છે. રાજ્ય વડી અદાલતે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ કે. બી. ગુજરાથી તેમજ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ આર. કે. દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દિકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય તથા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબદ્ધ છે તેની પુષ્ટિ આ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી થઇ છે.