મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર છે એ હવાની શીતળ લહેરખી જેવા હોય છે જે સાથે હોય એટલે જીવનમા ઠંડક પ્રવર્તે છે. મિત્ર છે એ પતંગ જેવા હોય છે જે બધાને સાથે લઈને આગળ વધે છે હવે જોઈએ આગળ,
જ્યારે તમે હળવા થઈને હોશમાં હશો,
ત્યારે બચેલી આબરૂનું ભાન છે મિત્રો.
-અજ્ઞાત
મિત્ર એવો હોય કે જે આપણને આપણે કોણ છીએ એનું સતત ભાન કરાવતો રહે, આપણને અવળા રસ્તે ચાલતા હોય ત્યાંથી આપણી બાંય પકડીને આપણને કહે કે, ‘તે લીધેલ રસ્તો ખોટો છે.’ મિત્ર છે એ આપણને સારું લાગે એવું નથી બોલતો પણ આપણુ સારું થાય એ માટે બોલતા હોય છે.જેની પાસેથી નિસ્વાર્થ પ્રેમ મળે એનું નામ જ મિત્ર.જે આપણને હમેશા સારા રસ્તે ચાલવા માટે ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે.
આપણો મિત્ર છે એ દુનિયાના બનાવેલા રસ્તે ચાલે એવો નહીં પણ પોતાનો રસ્તો ખુદ બનાવે એવો હોવો જોઈએ,જેના મન અને મગજમાં કૈક ને કૈક નવું કામ કરવાની ઈચ્છા હોય એવા વ્યક્તિની મિત્રતા આપણને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે એટલા માટે તો લખ્યું કે,
हमको तो राहें थी चलाती वो खुद अपनी राह बनाता,
ઘણી વખત એવું થતું હોય છે કે દુનિયા આપણી બેકસીટ ડ્રાઈવર હોય છે એના કહેવા મુજબ આપણી પાસે કરાવતી હોય છે પણ અમુક લોકો એ ચીલો ચાતરીને પોતાનો રસ્તો બનાવતા હોય છે અને એવા લોકો જ દુનિયામાં કૈક મહાન કાર્ય કરી બતાવે છે. માટે એવા લોકો કે જેનામાં હમેશા કૈક નવું કરવાની ભાવના રહેલી હોય એ લોકો આપણી સાથે જોડાય તો આપણા કામમાં પણ સ્ફૂર્તિ, તાજગી અને નવીનતા આવે છે, આપણે પણ ચીલાચાલુ ઘરેડમાંથી બહાર નીકળીને કૈક અલગ કરવાની દિશામાં વિચારીએ.
गिरता संभलता, मस्ती में चलता था वो…..
હોલિવુડના એક પાત્ર શેરલોક હોમ્સનો એક સરસ ડાયલોગ છે કે
I feel, I Express I fly, I fall, therefore I am.
હું જેવું અનુભવું છુ,એવું જ રજૂ કરું છું,હું કયારેક ઊડુ છો તો ક્યારેક પડું પણ છું પણ આ બધાના પરિણામે જ મારું અસ્તિત્વ ધરાવે છે. એવા વ્યક્તિ કે જે જીત વખતે ખુશ થાય છે એના કરતાં પણ જે હાર મળે ત્યારે હિંમત ના હારે એ વ્યક્તિ જ સાચો વિજેતા છે. જે વ્યક્તિ હારને પચાવી જાણે છે એ વ્યક્તિ દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં નામ રોશન કરે છે. જે વ્યક્તિ પોતાની નિષ્ફળતામાંથી શીખે છે એને બીજી કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી રહેતી અને આવી વ્યક્તિની મિત્રતા થાય તો આપણામાં પણ હિંમત અને આત્મવિશ્વાસનો વધારો થાય છે.
જેણે એ જાણી લીધું છે કે હાર અને જીત એ એક સિક્કાની બે બાજુ છે.જીતવાવાળો ક્યારેક હારે પણ ખરા..! હાર એ કંઈ પરમેનન્ટ નથી, કોશિશ કરીશું તો ફરી પાછા જીતી જઈશું આવો એટિટ્યુડ ધરાવતા વ્યક્તિ ક્યારેય જીવનમાં હમેશા સાચા નિર્ણયો લઈ શકે છે. જીવનમાં આવતી મુસીબતો સામે બાથ ભીડી શકે છે. આવા વ્યક્તિની મિત્રતા એ આપણને આજીવન અભયદાન આપે છે આવા મિત્રોને ક્યાંય જવા દેવા ના જોઈએ. હમેશા એની સાથે ગમે ત્યારે,ગમે ત્યાંથી કોન્ટેક્ટમાં રહેવું જોઈએ.
વધુ આવતા શુક્રવારે….
Columnist:- યુગ અગ્રાવત