રાયપુર : છત્તીસગઢના પાટનગર રાયપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા. મોદી ઉપર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને બિહારમાં બળાત્કાર થાય છે પરંતુ વડાપ્રધાન મોદી એક શબ્દ પણ બોલતા નથી. જ્યારે તેઓએ મોદીને કહ્યું કે, તેઓ તેમની આંખમાં આંખ નાંખીને જાઇ શકતા નથી. લોકો ટીવી ઉપર જાઇ ચુક્યા છે કે, તેઓ બીજી બાજુ જાઈ રહ્યા હતા. કારણ કે, ચોકીદાર હવે ભાગીદાર બની ગયા છે. મોદી ઉપર શાબ્દિક પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, જ્યારે ઉત્તરપ્રદેશ અને બિહારમાં બાળકીઓ ઉપર રેપ થાય છે ત્યારે મોદી કોઇ નિવેદન કરતા નથી. તમામ લોકોને પ્રશ્ન થાય છે કે, ભાજપ શાસિત રાજ્યોમાં બળાત્કારના કેસ કેમ બની રહ્યા છે.
મહિલાઓની સાથે છેલ્લા ચાર વર્ષમાં બળાત્કારના કિસ્સાઓમાં સતત વધારો થયો છે. રાહુલે કહ્યું હતું કે, તેઓ સંરક્ષણ મંત્રી સમક્ષ પણ કહી ચુક્યા છે કે, ભારતના લોકો સમક્ષ ખોટુ નિવેદન કરવામાં આવ્યું છે પરંતુ જવાબ મળ્યો નથી. રાહુલે કહ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પનામા પેપર્સમાં આવ્યું છે અને તેમને સજા થઇ છે. છત્તીસગઢમાં મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપર્સમાં આવ્યું હતું પરંતુ કોઇપણ પ્રકારની તપાસ થઇ નથી. ભાજપ અને એનડીએની આ ચોકીદારી રહી છે. રાયપુરમાં પાર્ટીના રાજ્ય એકમના નવા ભવનનું ઉદ્ઘાટન કરવા માટે રાહુલ પહોંચ્યા હતા. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાહુલની આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.