મુંબઇ: શેરબજારમાં એક દિવસની રિકવરી બાદ આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેંસેક્સમાં આજે વધુ ૧૭૫ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયામાં ઘટાડો અને એશિયન શેરબજારમાં ૧૭ મહિનાની સૌથી નીચી સપાટી વચ્ચે ભારે અફડાતફડી જોવા મળી હતી. સેંસેક્સ ૧૭૫ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૧ની સપાટીએ રહ્યો હતો.
ક્રૂડની કિંમત ૮૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી છે. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા મોટર્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તાતા મોટર્સના શેરમાં સાત વર્ષની નીચી સપાટી રહી હતી. તેના શેરમાં ૧૯.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં આજે ૧૭ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી.
અત્રે નોંધનીય છે કે, શેરબજાર શુક્રવારના દિવસે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૨.૨૫ ટકા અથવા તો ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૪૩૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૨૮૩ પોઇન્ટ ઘટીને અથવા તો ૨.૬૭ ટકા ઘટીને ૧૦૩૧૬ની સપાટીએ રહ્યો હતો.
શેરબજાર શુક્રવારે સતત ત્રીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના કારણે હચમચી ઉઠતા કોર્પોરેટ જગતમાં પણ તેની ચર્ચા જોવા મળી હતી. છેલ્લા ગુરૂવારના દિવસે સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. જેથી તેની સપાટી ૩૫૧૬૯ રહી હતી. નિફ્ટી ૨૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૯ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં બુધવાર અને ગુરુવારના દિવસે મળીને બે દિવસના ગાળામાં ૧૩૫૭ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. શુક્રવારે તેમાં વધુ ૭૯૨ પોઇન્ટનો ઘટાડો થયો હતો.
બુધવારથી લઇ શુક્રવાર સુધીના ગાળામાં એટલે કે ત્રણ દિવસમાં જ છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૨૧૪૯ પોઇન્ટનો ઘટાડો થયો હતો. દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા (આઈઆઈપી)ના આંકડા જે ઓગસ્ટ મહિના માટેના છે તે શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટેના આઈઆઈપીના ડેટા અને સપ્ટેમ્બર મહિના માટેના રિટેલ ફુગાવા (સીપીઆઈ)ના આંકડા શુક્રવારે જારી થશે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૬.૬ ટકાનો રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાવ શાનદાર રહ્યો હતો.
કેટલાક નિષ્ણાતો માને છે કે, ઓગસ્ટ મહિનામાં પણ આઈઆઈપીના આંકડા યથાવત રહેશે જ્યારે રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૩.૬૯ ટકા રહ્યો હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી છે. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે.
આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો. શેરબજારમાં ગઇકાલે અફડાતફડી વચ્ચે બીએસઈ સેંસેક્સ ૯૭ પોઇન્ટ રિકવર થઇને ૩૪૪૭૪ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૩૨ પોઇન્ટ ઉછળીને ૧૦૩૪૮ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો.