અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં થોડાક દિવસ પહેલાં સિનિયર કેજીમાં ભણતી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં હતી ત્યારે સ્કૂલનો સ્ટાફ બેદરકારી દાખવીને રૂમને તાળું મારીને જતો રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આ સમગ્ર ઘટનામાં સ્કૂલ સત્તાધીશો અને સ્ટાફ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. બે કલાક સુધી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં પુરાઇ રહી હતી, જેને સ્થાનિકોએ બહાર કાઢી હતી. સ્કૂલ સંચાલકની ઘોર બેદરકારી સામે આવતાં વાલીઓમાં પણ ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જુહાપુરા વિસ્તારમાં એપીએસ સ્કૂલ આવેલી છે, જેમાં સ્કૂલના સ્ટાફની લાપરવાહી સામે આવી છે. થોડાક દિવસ પહેલાં સાંજે સ્કૂલ છૂટી ત્યારે જલદી ઘરે જવાના ચક્કરમાં સ્કૂલ સ્ટાફે તમામ ક્લાસરૂમને તાળું મારી દીધું હતું. ક્લાસરૂમમાં તાળું મારતા સમયે સ્ટાફના કર્મચારીઓએ રૂમ ચેક કર્યા નહીં, જેના કારણે સિનિયર કેજીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની રૂમમાં બંધ થઇ ગઇ હતી. બે કલાક સુધી રૂમનો દરવાજો નહીં ખૂલતાં વિદ્યાર્થિનીએ રડવાનું શરૂ કર્યું હતું, જેથી સ્કૂલની બાજુમાં સાંજની નમાજ પઢવા માટે આવેલા લોકોએ તેનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. યુવકો દોડીને સ્કૂલમાં આવી ગયા હતા અને તમામ ક્લાસરૂમ ચેક કર્યા હતા.સિનિયર કેજીના ક્લાસરૂમમાં એક વિદ્યાર્થિની રડતી હતી.
યુવકોએ તાત્કાલિક રૂમનું તાળું તોડી નાખ્યું હતું અને વિદ્યાર્થિનીને બહાર કાઢીને હેમખેમ તેના પરિવારને સોંપી હતી. સ્કૂલની ઘોર બેદરકારી સામે આવતાં વાલીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આજે સ્કૂલના તમામ વાલીઓ સંચાલકોને મળવા માટે પહોંચ્યા હતા અને ઘટનાની ગંભીરતા અંગે ઉગ્ર રજૂઆત કરી આક્રોશ ઠાલવ્યો હતો.