ભોપાલ: છેલ્લા દોઢ દશકથી મધ્યપ્રદેશમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ વાપસી માટે અનેક નવા પ્રયોગો શરૂ કરી દીધા છે. ૨૦૦૩માં હિન્દુત્વનો વિરોધ કરનાર કોંગ્રેસ પાર્ટી હવે ૨૦૧૮માં હિન્દુત્વના રથ ઉપર સવાર થઇને સત્તામાં વાપસી કરવા માટે આશાવાદી છે. ૧૫ વર્ષ પહેલા દિગ્વિજયસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે હિન્દુત્વનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને શિવભક્ત, રામભક્ત અને નર્મદાભક્ત તરીકે રજૂ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
૨૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના પોંગાપંડિત ટુર ભાજપના ધાર્મિક પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે હાથ ધરવામાં આવતા આની ટિકા થઇ હતી. ભાજપે વિદિશામાં ગૌહત્યાનો મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ધારમાં એક મસ્જિદને જુના હિન્દુ માળખા તરીકે દર્શાવીને તેના ઉપર દાવો કરવાના પ્રયાસોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભાજપ દ્વારા ઉમા ભારતીને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ એ વખતે પોતાને ધર્મ નિરપેક્ષ પાર્ટી તરીકે ગણાવીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
દિગ્વિજયસિંહે એ વખતે પાર્ટી યુનિટમાં કોઇપણ પ્રકારના ભગવાકરણનો વિરોધ કર્યો હતો. આ ગાળા દરમિયાન નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયાએ સંબોધન કરવા માટે વિહિપ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. સતત ત્રણ ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે રણનીતિ બદલી દેવા સજ્જ છે. રાહુલ ગાંધીના કૈલાશ માનસરોવર પ્રવાસ બાદ તેમને શિવભક્ત તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ચિત્રકુટ યાત્રા બાદ રાહુલને રામભક્ત તરીકે રજૂ કરવાં આવી રહ્યા છે. જબલપુરમાં રાહુલને નર્મદાભક્ત તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ગુજરાત, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના ટેમ્પલ રનની વ્યાપક ટિકા થઇ હતી. જો કે, પાર્ટીને આનો લાભ થયો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની લડાઈ ખુબ જોરદાર રહેલી છે. પાર્ટીએ ભગવા રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ ગૌરક્ષાની વાત કરી છે.
આ ઉપરાંત પાર્ટી દરેક પંચાયતમાં એક ગૌશાળા બનાવવાની વાત કરી રહી છે. કોંગ્રેસના પોસ્ટરોમાં રાહુલને પોતાના પરનાના જવાહરલાલ નહેરુની જેમ જ પંડિત તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસમાં સત્તા મેળવવાને લઇને મધ્યપ્રદેશમાં તમામ તૈયારી થઇ રહી છે. મધ્યપ્રદેશને એક ધાર્મિક સ્થળ તરીકે વિકસિત કરવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું છે કે, ભાજપે માત્ર રાજનીતિ લાભ માટે ધર્મનો ઉપયોગ કર્યો છે પરંતુ કોંગ્રેસ પાર્ટી રાજ્યના વિકાસને ધાર્મિક ટ્યુરિઝમના સ્વરુપથી ઉંચે લઇ જશે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં રાહુલ ગાંધી ભાજપને તેની ભાષામાં જ જવાબ આપવાનું જાણી ગયા છે. હાલમાં રાહુલ ગાંધી હિન્દુત્વના એજન્ડા ઉપર આગળ વધી રહ્યા છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને હિન્દુત્વ પર રણનીતિ હેઠળ તેઓ આગળ વધી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસમાં ભગવાકરણના પ્રયાસની તેના ઉપર કોઇ અસર થશે નહીં.